Home Gujarat Attempt To Rob Retired Officer In The Name Of Digital Arrest Fails In Mehsana

મહેસાણામાં ડિજિટલ એરેસ્ટનું ષડયંત્ર નાકામ! : સાયબર ક્રાઈમ પોલીસની સમયસૂચકતાએ બચાવી નિવૃત્ત અધિકારીની જીવનભરની કમાણી

મહેસાણામાં ડિજિટલ એરેસ્ટનું ષડયંત્ર નાકામ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 10:02 AM IST

Mehsana Digital Arrest Case: સાયબર ઠગોના નવા જાળમાં ફસી જવાના આરે રહેલા મહેસાણાના નિવૃત્ત સરકારી અધિકારી રમેશચંદ્ર માધવલાલ પટેલની આજીવન કમાણી બચી ગઈ. 'ડિજિટલ એરેસ્ટ'ના નામે ઠગોએ વીડિયો કોલ પર ધમકી આપીને 76 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભોગ બનનારની સમજદારી અને મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસની ત્વરિત કાર્યવાહીએ મોટી લૂંટ અટકાવી દીધી.

વીડિયો કોલ પર 'ડિજિટલ એરેસ્ટ'

ઘટનાની વિગતો અનુસાર, 12 ડિસેમ્બરે સવારે 10:30 વાગ્યે રમેશચંદ્રભાઈના મોબાઈલ પર VI કંપની તરફથી હોવાનો કોલ આવ્યો. કોલરે ધમકી આપી કે તેમનો નંબર બે કલાકમાં બંધ થઈ જશે. ત્યારબાદ કોલને કથિત મુંબઈ પોલીસ પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યો. વીડિયો કોલ પર નકલી પોલીસ યુનિફોર્મ પહેરેલી એક મહિલા અને અધિકારી રમેશભાઈને વીડિયો કોલ પર 'ડિજિટલ એરેસ્ટ' કરે છે.

ઠગોનો દાવો

ઠગોએ દાવો કર્યો કે રમેશચંદ્રભાઈના નામે મુંબઈમાં એક સીમકાર્ડ એક્ટિવ છે, જેના માધ્યમથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુકે અને યુએસએમાં કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ફંડિંગ થયું છે. બનાવટી એરેસ્ટ વોરંટ બતાવીને તેમને કહેવામાં આવ્યું કે બચવા માટે તમામ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બચત તોડીને પૈસા 'વેરિફિકેશન એકાઉન્ટ'માં RTGS કરવા પડશે. આ ધમકીઓથી વૃદ્ધ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

પોલીસ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી

જોકે, રમેશચંદ્રભાઈના પરિવારે અગાઉ સમાચારોમાં આવા ફ્રોડ વિશે વાંચ્યું હતું. તેથી તેઓએ ડરને કાબૂમાં રાખીને પૈસા ટ્રાન્સફર કરવાને બદલે સીધા મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસ અધિકારીઓએ તુરંત પરિસ્થિતિ સમજી અને ઠગો હજુ લાઈવ હોવાનું જાણીને તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસ ટીમ રમેશચંદ્રભાઈને લઈને બેંકમાં પહોંચી અને તેમના એકાઉન્ટના આઉટગોઈંગ વ્યવહારો તેમજ નેટ બેંકિંગને ફ્રીઝ કરાવી દીધા. ઠગો 65થી 76 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવવાની તૈયારીમાં હતા, ત્યાં જ પોલીસની 'ડિજિટલ બ્રેક'થી તેમની આજીવન મૂડી બચી ગઈ.

કાયદામાં 'ડિજિટલ એરેસ્ટ' જેવી કોઈ જોગવાઈ નથી

તપાસ અધિકારી PSI નારાયણસિંહ ચાવડાએ જણાવ્યું કે, આ કેસ દરેક નાગરિક માટે ચેતવણી છે. કાયદામાં 'ડિજિટલ એરેસ્ટ' જેવી કોઈ જોગવાઈ નથી અને કોઈ પોલીસ વીડિયો કોલ પર પૈસા માગતી નથી. આવા કોલ આવે તો ગભરાયા વગર તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરો. આ ઘટના સાયબર ઠગોની વધતી જતી હિંમત અને નાગરિકોની જાગરૂકતાના મહત્વને દર્શાવે છે. પોલીસે વૃદ્ધને સાંત્વના આપી સમજાવ્યું કે આવા ફ્રોડમાં ડરવું નહીં, પરંતુ તુરંત મદદ માગવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now