Narmada News: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામે આજે એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અશ્વિન નદીના કિનારે બકરા ચરાવી રહેલા 63 વર્ષીય વૃદ્ધ પર મગરે જીવલેણ હુમલો કર્યો હતો. પોતાના પશુને બચાવવાના અદમ્ય સાહસમાં વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, અગર ગામમાં રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા મયૂદ્દીનભાઈ રાઠોડ (ઉં.વ. 63) બપોરના સમયે તેમની પત્ની સાથે અશ્વિન નદીના કિનારે બકરા ચરાવી રહ્યા હતા. આ દરમિયાન તરસ્યા થયેલા એક બકરાને નદીમાં પાણી પીતી વખતે ત્યાં છુપાઈને બેઠેલા મહાકાય મગરે ઝડપી લીધું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર : અમદાવાદ, સુરત અને રાજકોટના વાહનચાલકો ખાસ વાંચો
બકરાને બચાવવાના પ્રયાસમાં કાળ આંબી ગયો
પોતાના વહાલા પશુને મગરના મુખમાં જોતા જ મયૂદ્દીનભાઈ તેને છોડાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. જોકે, મગરે બકરાને છોડી દઈને વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો અને તેમને ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈ તેમની પત્નીએ જોરશોરથી બુમાબુમ કરી મૂકી હતી, જેના કારણે ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા હતા.
ગ્રામજનોનું જોખમી રેસ્ક્યુ અને તંત્રની લાચારી
આશરે બે કલાક સુધી મગર મયૂદ્દીનભાઈના શરીરને નદીમાં આમતેમ ફેરવતો રહ્યો હતો. ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ અને વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેમની પાસે મગરને ભગાડવા કે રેસ્ક્યુ કરવા માટેના કોઈ આધુનિક સાધનો નહોતા. આખરે ગામના નીડર યુવાનોએ જીવના જોખમે કોઈ પણ સુરક્ષા સાધનો વગર નદીમાં ઝંપલાવ્યું હતું અને ભારે જહેમત બાદ મગરના જડબામાંથી મયૂદ્દીનભાઈનો મૃતદેહ છોડાવી કિનારે લાવ્યા હતા.
આ પણ વાંચો:સોનાં-ચાંદીના ભાવમાં ફરી હલચલ : 25 એપ્રિલે કેટલું મોંઘું કે સસ્તુ? જાણો શહેરવાર લેટેસ્ટ ભાવ
પરિવારમાં માતમ
મયૂદ્દીનભાઈનો મૃતદેહ બહાર આવતા જ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારબાદ તિલકવાડા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. નદીમાં મગરોના વધી રહેલા ત્રાસને કારણે સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે રોષ પણ જોવા મળ્યો હતો.





