જીવનમાં સફળતા મેળવવા માટે ઘણીવાર મોટા જોખમો લેવા પડતા હોય છે, પરંતુ જ્યારે તે જોખમ સફળતામાં પરિણમે છે ત્યારે ભૂતકાળના તમામ સંઘર્ષો સાર્થક લાગે છે. બિહારના એક નાના ગામમાંથી આવતા અરુણાભ સિન્હાની વાર્તા પણ કંઈક આવી જ છે. એક સમયે જેમના અભ્યાસ માટે તેમની માતાએ પોતાના સોનાના કંગન વેચી દીધા હતા, આજે તે જ દીકરો 160 કરોડ રૂપિયાના ટર્નઓવર વાળી કંપનીનો માલિક છે.
IITનો અભ્યાસ અને પ્રથમ નિષ્ફળતા
અરુણાભના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમને IIT Bombay માં પ્રવેશ મળ્યો હતો. ફી ભરવા માટે પૈસા ન હોવાથી તેમની માતાએ પોતાની મૂડી સમાન સોનાના કંગન વેચીને દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અરુણાભે 'Franglobal' નામનું પોતાનું પ્રથમ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, પરંતુ કમનસીબે તે નિષ્ફળ રહ્યું. આ નિષ્ફળતા બાદ તેમણે 2015 માં પોતાની કંપની વેચી દીધી અને ટ્રીબો હોટેલ્સમાં 12 લાખ રૂપિયા પ્રતિ માસના પગારવાળી નોકરી શરૂ કરી.
નોકરી છોડીને કેવી રીતે આવ્યો નવો આઈડિયા?
હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે અરુણાભે માર્ક કર્યું કે હોટેલમાં આવતી ફરિયાદોમાં 60 ટકા જેટલી ફરિયાદો લોન્ડ્રી એટલે કે કપડાં ધોવાની ગુણવત્તા બાબતે હોય છે. આ સમસ્યામાં જ તેમને બિઝનેસની તક દેખાઈ. તેમણે પોતાની પત્ની ગુંજન સિન્હાના સહયોગથી નોકરી છોડીને UClean નામનો લોન્ડ્રી બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં તેમના માતા-પિતા આ કામના વિરોધમાં હતા, પરંતુ અરુણાભે પોતાના વિઝન પર વિશ્વાસ રાખ્યો.
શું છે UClean નું બિઝનેસ મોડલ?
યુક્લીન ગ્રાહકોને માત્ર 24 થી 48 કલાકમાં કપડાં ધોઈ અને પ્રેસ કરીને પરત આપવાની ગેરંટી આપે છે. તેમની સેવાઓમાં નીચેની સુવિધાઓ સામેલ છે:
વોશ એન્ડ આયર્ન (Wash and Iron)
ડ્રાય ક્લીન (Dry Clean)
સ્પેશિયલ ફેબ્રિક કેર (Special Care)
હાલમાં આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 160 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. અરુણાભનો આ બિઝનેસ હવે વિદેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. અત્યારે સમગ્ર દેશમાં તેમના અંદાજે 800 જેટલા આઉટલેટ્સ છે, જેને 1000 સુધી પહોંચાડવાનું તેમનું લક્ષ્ય છે. એક સમયે દેવામાં ડૂબેલા અને સંઘર્ષ કરતા પરિવારે આજે આખા ભારતમાં એક સફળ બિઝનેસ નેટવર્ક ઊભું કર્યું છે.




















