Arshdeep Singh Controversy: ભારતીય ટીમના સ્ટાર લેફ્ટ આર્મ પેસર અને આઈપીએલમાં પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમી રહેલા અર્શદીપ સિંહ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. મેદાન પર પોતાની ધારદાર બોલિંગથી બેટ્સમેનોને હંફાવનાર અર્શદીપ હવે મેદાનની બહાર તેના સોશિયલ મીડિયા વ્યવહારને કારણે વિવાદોના વંટોળમાં ફસાયો છે. તાજેતરમાં એક ફેન સાથે સ્નેપચેટ (Snapchat) પર થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકોમાં તેના પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અર્શદીપ અવારનવાર સોશિયલ મીડિયા પર વ્લોગ્સ અને વીડિયો શેર કરતો હોય છે, પરંતુ આ વખતે તેની ભાષા અને વર્તને નવી ચર્ચા જગાવી છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક ફેને અર્શદીપને સલાહ આપી કે તેણે પંજાબ કિંગ્સના નામનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે ટીમને શરમમાં મૂકી રહ્યો છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા અર્શદીપે વળતો પ્રહાર કરતા લખ્યું, "તમે પંજાબ માટે શું કર્યું છે, સિંહ સાહેબ? જે લોકો હજુ પણ ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક માટે પરિવાર પાસે પૈસા માંગે છે, તેઓ હવે મને પંજાબ વિશે સલાહ આપી રહ્યા છે?" અર્શદીપના આ અહંકારી ગણાતા જવાબ બાદ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
તિલક વર્મા વિરુદ્ધ ટિપ્પણીથી પહેલેથી જ વિવાદમાં
આ ઘટનાના એક જ દિવસ પહેલા અર્શદીપ અન્ય એક ગંભીર વિવાદમાં ફસાયો હતો. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચ પહેલા રેકોર્ડ થયેલા એક વીડિયોમાં તેણે મુંબઈના બેટ્સમેન તિલક વર્માને 'અંધેરે' (Dark one) કહીને સંબોધ્યા હતા. આ ટિપ્પણીને વંશીય ટિપ્પણી તરીકે જોવામાં આવી રહી છે, જેના કારણે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણ ભારે રોષે ભરાયા છે. તેમણે તો ત્યાં સુધી માંગ કરી છે કે BCCI એ અર્શદીપ પર આ આખી સીઝન માટે પ્રતિબંધ મૂકવો જોઈએ.

ભૂતપૂર્વ ક્રિકેટરની કડક માંગ: "પૈસા કાપો અને પ્રતિબંધ લગાવો"
લક્ષ્મણ શિવરામકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ભડાસ કાઢતા લખ્યું કે, "કોઈએ મારું માન્યું નહીં અને મને ટ્રોલ કર્યો, પરંતુ અર્શદીપ પર આ સિઝન માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. ખેલાડીઓને ત્યાં જ ફટકો મારવો જોઈએ જ્યાં તેમને સૌથી વધુ દુખે છે. તેમને 'પ્રો-રેટા' ધોરણે જ પેમેન્ટ આપવું જોઈએ." ઉલ્લેખનીય છે કે, અર્શદીપના વ્લોગિંગ સામે અગાઉ પણ BCCI નારાજ હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ તે છતાં તેની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ ચાલુ રહી છે.
'આટલી મહેનત પછી મારું મહત્ત્વ સાબિત કરવું પડે, તો નહીં!': ODI World Cup 2027 માં રમવા અંગે વિરાટ કોહલીનું મોટું નિવેદન
મેચની સ્થિતિ: મુંબઈ સામે પંજાબની હાર
વિવાદો વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા પ્રભસિમરન સિંહની અડધી સદીની મદદથી 200 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જોકે, મુંબઈ ઇન્ડિયન્સના તિલક વર્માએ શાનદાર 75 રનની અણનમ ઇનિંગ રમીને પંજાબના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. મુંબઈ ઇન્ડિયન્સે માત્ર એક બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અર્શદીપ માટે આ દિવસ મેદાન પર અને મેદાનની બહાર એમ બંને રીતે નિરાશાજનક સાબિત થયો છે.





