Home Gujarat Arrival Of Millions Of Surkhabs In The Great Rann Of Kutch

કચ્છના રણમાં લાખો સુરખાબનું આગમન : આ વર્ષે સંખ્યા 4 લાખને પાર કરે તેવી શક્યતા, નવા બચ્ચાંનો જન્મદર નોંધપાત્ર રીતે વધ્યો

કચ્છના રણમાં લાખો સુરખાબનું આગમન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 11:10 AM IST

Kutch Flamingo Number: કચ્છના રાપર તાલુકાના કુડા અને ખડીર બેટ વિસ્તારમાં શિયાળાની શરૂઆત સાથે જ લાખો સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓના ઝુંડ ઊમટી પડ્યા છે. હાલમાં મોટા રણના અમરાપરથી લોદ્રાણી જાગીર તરફના વિસ્તાર તેમજ ‘સેકન્ડ રોડ ટુ હેવન’ અને ‘રન ટુ હેવન’ માર્ગ નજીક એક લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહતા, જ્યારે સવા લાખ જેટલા ગ્રેટર અને લેસર ફ્લેમિંગો તેમજ કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે.

ફ્લેમિંગોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો

વન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ આંકડો ત્રણથી ચાર લાખને પાર કરી જશે. છેલ્લા પાંચ વર્ષમાં કચ્છના રણમાં ફ્લેમિંગોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. પાંચ વર્ષ પહેલાં જ્યાં એકથી સવા લાખ ફ્લેમિંગો આવતા હતા, તે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો અને આ વર્ષે પણ એ જ આંકડો નોંધાશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

વન વિભાગની ખાસ પહેલથી વધી પક્ષીઓની સંખ્યા

કચ્છનું મોટું અને નાનું રણ સેન્ટ્રલ એશિયન ફ્લાય-વેનો મહત્વનો ભાગ છે. 2019થી વન વિભાગે સ્થળાંતરિત પક્ષીઓના પ્રજનન માટે રણમાં ખાસ સી-આકારના ડેઝર્ટ પોઈન્ટ તેમજ લીનીયર પ્લેટફોર્મ (માટીના પાળા) તૈયાર કર્યા છે. આ પ્લેટફોર્મને કારણે માળાનું પાણીથી ધોવાણ ઘટ્યું છે, ઈંડાં સલામત રહે છે અને નવા બચ્ચાંનો જન્મદર નોંધપાત્ર રીતે વધ્યો છે.

એશિયાની એકમાત્ર ‘ફ્લેમિંગો સિટી’

કચ્છનું મોટું રણ એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાય છે. 1986માં આ વિસ્તારને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સુરક્ષિત રાખવાનો હતો. 1883માં મહારાવ ખેંગારજીએ અહીં સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ કર્યું હતું.

પ્રવાસીઓ માટે નયનરમ્ય નજારો

આ અદ્ભુત દૃશ્ય જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ ખાસ રોકાણ કરે છે. રણના ધોળા પટમાં લાખો ફ્લેમિંગોના ઝુંડ જ્યારે ઉડે છે ત્યારે આકાશ પણ ગુલાબી થઈ જાય છે. વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી આ સુંદર સ્થળાંતરિત મેહમાનો સુરક્ષિત રીતે શિયાળો માણીને પાછા ફરી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now