Home Gujarat Arjun Modhwadia Jamnagar Development Review Meeting

જામનગરમાં વિકાસની ગતિ તેજ! : પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, બ્રિજ અને જળ સંચયના કામોને અગ્રતા

જામનગરમાં વિકાસની ગતિ તેજ!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 12:32 PM IST

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અને શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ જામનગરના પ્રગતિ હેઠળના વિવિધ પ્રકલ્પોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

​બેઠકની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. શહેરી વિકાસ વર્ષ 2025-26 અંતર્ગત જામનગરના વિવિધ વિકાસ પ્રકલ્પો માટે માતબર રકમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે ફ્લાયઓવર બ્રિજ સહિતની કામગીરીમાં ગતિ લાવી તેને ઝડપથી પૂર્ણ કરવા મંત્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે ઐતિહાસિક ભુજીયા કોઠાનું પુનઃસ્થાપન અને એમ.પી. શાહ ટાઉનહોલના નવીનીકરણ જેવી સાંસ્કૃતિક વિરાસત જાળવવાની કામગીરીને બિરદાવી હતી.

​જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને જળ સુરક્ષા પર ભાર મૂકતાં મંત્રીએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ કામો હાથ ધરવામાં આવશે, જેથી આગામી ચોમાસામાં જળસંચયની ક્ષમતામાં વધારો કરી શકાય. જળ જીવન મિશન અને અમૃત 2.0 યોજના હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની પ્રાથમિકતા પર મંત્રીએ ભાર મૂયો હતો. સાથે જ આરોગ્ય ક્ષેત્રે પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડો. શ્યામાપ્રસાદ મુખરજી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રોની સેવાઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસોના લાભાર્થીઓને તમામ પાયાની સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીએ તાકીદ કરી હતી.

​આ સંકલન બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય રાઘવજી પટેલ, મેઘજી ચાવડા અને હેમંત ખવા દ્વારા પોતપોતાના વિસ્તારના પડતર પ્રશ્નો અને વિકાસના કામો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. મંત્રીએ આ તમામ રજૂઆતોને સાંભળી, તેના ત્વરિત નિરાકરણ લાવવા અને લોકહિતના કામોને પ્રાથમિકતા આપી તાકીદે હાથ ધરવા વહીવટી તંત્રને નિર્દેશો આપ્યા હતા.બેઠકના અંતે મંત્રીએ તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને વિકાસના કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે જોવા ઉપસ્થિત અધિકારીઓને આદેશ આપ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now