અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીનના કથિત ગેરકાયદેસર વ્યવહારને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વર્ષો જૂની જમીન માલિકી સાથે જોડાયેલા આ પ્રકરણમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 1972માં અવસાન પામેલા મૂળ ખાતેદાર ખેડૂતના નામે વર્ષ 2025માં પાવર ઓફ એટર્ની અને વેચાણ સંબંધિત દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે. આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાસણીરેલ ગામની વિવાદિત જમીનના મૂળ ખાતેદાર તરીકે છગનભાઈ જીવણભાઈ પટેલનું નામ મહેસૂલી રેકોર્ડમાં વર્ષ 1950થી નોંધાયેલું હોવાનું જણાવવામાં આવે છે. ફરિયાદી પક્ષના દાવા અનુસાર છગનભાઈ જીવણભાઈ પટેલનું અવસાન 14 જાન્યુઆરી 1972ના રોજ થયું હતું અને તેની સત્તાવાર મૃત્યુ નોંધ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં 8 એપ્રિલ 2025ના રોજ બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તેમના નામે પાવર ઓફ એટર્ની અને જમીન વ્યવહાર સંબંધિત દસ્તાવેજ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
દસ્તાવેજોમાં વિસંગતિના આક્ષેપ
ફરિયાદી પક્ષે દાવો કર્યો છે કે દસ્તાવેજ નોંધણી દરમિયાન રજૂ કરાયેલા ઓળખપત્રો અને મહેસૂલી રેકોર્ડ વચ્ચે ગંભીર વિસંગતિઓ જોવા મળી રહી છે. આક્ષેપ મુજબ દસ્તાવેજમાં રજૂ કરાયેલા આધાર કાર્ડમાં જન્મ તારીખ 1 જાન્યુઆરી 1971 દર્શાવવામાં આવી છે, જ્યારે જમીન વર્ષ 1950થી છગનભાઈના નામે નોંધાયેલી હોવાનું સરકારી રેકોર્ડ દર્શાવે છે.
આ સંજોગોમાં એક વ્યક્તિના નામે જમીન માલિકીનો રેકોર્ડ તેની દર્શાવાયેલી જન્મતારીખ કરતાં દાયકાઓ પહેલાનો કેવી રીતે હોઈ શકે તેવા સવાલો ઊભા થયા છે. ફરિયાદી પક્ષનું કહેવું છે કે આ સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે જેથી સત્ય હકીકત બહાર આવી શકે.
મામલાને વધુ ગંભીર બનાવતી બાબત એ પણ છે કે મૂળ ખાતેદારના વારસદારો હયાત હોવા છતાં તેમની વારસાઈ નોંધણી પૂર્ણ થયા વગર જમીન વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો આ દાવો સાચો સાબિત થાય તો મહેસૂલી નિયમો અને જમીન વ્યવહાર સંબંધિત કાયદાકીય પ્રક્રિયાઓ અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
આ પણ વાંચો: સુરતમાં મોટો ગોલ્ડ સ્કેમ : દાગીના બનાવવાના બહાને લીધું લાખોનું સોનું, પછી દુકાન બંધ કરી ગાયબ
નાણાકીય વ્યવહારો પર પણ સવાલ
જમીન સોદા સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોને લઈને પણ ફરિયાદી પક્ષે તપાસની માંગ કરી છે. દસ્તાવેજોમાં દર્શાવાયેલા ચેક અને અન્ય ચૂકવણીના માધ્યમો કયા ખાતામાં જમા થયા હતા, વ્યવહારની રકમનો અંતિમ લાભ કોને મળ્યો અને સમગ્ર પ્રક્રિયામાં કોણ-કોણ સંકળાયેલું હતું તે અંગે પારદર્શક તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
ફરિયાદી પક્ષનું કહેવું છે કે જો જમીનનો વ્યવહાર ખરેખર મૂળ ખાતેદારના નામે કરવામાં આવ્યો હોય અને તે વ્યક્તિનું દાયકાઓ પહેલાં અવસાન થઈ ચૂક્યું હોય તો આ મામલો માત્ર મહેસૂલી વિવાદ સુધી મર્યાદિત રહેતો નથી. આવા સંજોગોમાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા, છેતરપિંડી, બનાવટી ઓળખનો ઉપયોગ અને સંભવિત ગુનાહિત કાવતરાના મુદ્દાઓ પણ તપાસના કેન્દ્રમાં આવી શકે છે.
સબ-રજિસ્ટ્રાર કચેરીની ભૂમિકા અંગે પણ માંગ ઉઠી
આ સમગ્ર પ્રકરણમાં દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં સામેલ વિવિધ પક્ષોની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા છે. સબ-રજિસ્ટ્રાર કચેરી, દસ્તાવેજ સાથે સંકળાયેલા સાક્ષીઓ, નોટરી તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓની જવાબદારી અને ભૂમિકાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠી રહી છે.
સ્થાનિક નાગરિકો અને ફરિયાદી પક્ષે રાજ્ય સરકાર સમક્ષ આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ અથવા વિશેષ તપાસ ટીમ (SIT) મારફતે તપાસ કરાવવાની માંગણી કરી છે. સાથે જ જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.






