ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને ભારે બફારાની વચ્ચે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. આકાશમાં ઘેરાયેલા વાદળો અને ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેના રોજ અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારે સારો વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદના કારણે નોંધપાત્ર રાહત અનુભવાઈ હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ
અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા. માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ ગામોમાં વરસાદ નોંધાયો હતો. મોડાસા તાલુકાના ઇસરોલ (ઇસરી), જીતપુર અને જીવણપુર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં તાપમાન સતત ઊંચું રહેતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને રાત્રે ભારે બફારાના કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. આવા સમયે અચાનક વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક ફેલાવીને લોકોને મોટી રાહત આપી છે.
મેઘરાજાના આગમન સાથે રસ્તાઓ, ખેતરો અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં લોકોને લાંબા સમય બાદ ઠંડકનો અનુભવ થયો હતો, જેના કારણે જનજીવનમાં પણ હળવાશ જોવા મળી હતી.
આ પણ વાંચો: યુપી-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48 લોકોના મોત: દેશના 15 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
રાજ્યભરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
વરસાદી વાતાવરણ અને પશ્ચિમી પવનોના પ્રભાવને કારણે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પારો ગગડતાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે.
રાજકોટમાં સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 39.9 ડિગ્રી નોંધાયું હતું, એટલે કે એક જ દિવસમાં 3.7 ડિગ્રીનો ઘટાડો થયો હતો. સુરેન્દ્રનગરમાં તાપમાન 44.7 ડિગ્રીથી ઘટીને 41.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસામાં 42.2 ડિગ્રીથી સીધું 38.1 ડિગ્રી સુધી પારો ગગડતાં 4.1 ડિગ્રીનો મોટો ઘટાડો નોંધાયો હતો.
અમરેલીમાં તાપમાન 41.9 ડિગ્રીથી 39.5 ડિગ્રી સુધી ઘટ્યું હતું. કંડલા એરપોર્ટ ખાતે 40 ડિગ્રીથી 37.6 ડિગ્રી અને કંડલામાં 37.8 ડિગ્રીથી 36.5 ડિગ્રી સુધી તાપમાન નીચે આવ્યું હતું.
અમદાવાદ હજુ પણ સૌથી ગરમ શહેર
રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હોવા છતાં અમદાવાદ હજુ પણ ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રીથી ઘટીને 43.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 43.5 ડિગ્રીથી ઘટીને 42.7 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં માત્ર દમણ અને પોરબંદર એવા બે વિસ્તારો રહ્યા છે જ્યાં તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. બાકીના તમામ આંતરિક વિસ્તારોમાં પારો નીચે આવ્યો છે.
હાલમાં અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જોકે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી પ્રવૃત્તિના કારણે ગરમીનું પ્રમાણ ધીમે ધીમે ઘટી શકે છે.
આ પણ વાંચો: રસોઈ ગેસ પર મોટી અપડેટ : પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કંપનીઓને 30 દિવસનો સ્ટોક રાખવા આદેશ
આગામી 6 થી 7 દિવસ માટે એલર્ટ
હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન, ગાજવીજ અને કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં વધુ 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ક્રમિક ઘટાડો થવાની સંભાવના છે.
આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના ઊભા પાક, પશુચારો અને કૃષિ સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લામાં રાખેલા ઘાસચારા અને પાકને વરસાદ તથા પવનથી નુકસાન થવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ગરમીથી ત્રસ્ત ગુજરાત માટે કમોસમી વરસાદ હાલમાં રાહતનો સંદેશ લઈને આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં બદલાતા હવામાનને કારણે સાવચેતી રાખવી જરૂરી બનશે.





