Home Gujarat Gujarat Rte Admission 5814 Students Admitted In Second Round 5300 Seats Still Vacant Preparation For Third Round

ગુજરાત RTE એડમિશન : બીજા રાઉન્ડમાં 5814 વિદ્યાર્થીઓને પ્રવેશ, હજુ પણ 5300થી વધુ બેઠકો ખાલી; ત્રીજા રાઉન્ડની તૈયારી

RTE Admission 2026 Round 2
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 04:15 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં 'રાઇટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1માં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલુ છે. આ પ્રક્રિયાના બીજા રાઉન્ડની ફાળવણી પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં હજારો બાળકોને પ્રવેશ મળ્યો છે. જોકે, હજુ પણ રાજ્યભરની ખાનગી શાળાઓમાં હજારો બેઠકો ખાલી રહેતા શિક્ષણ વિભાગ હવે ત્રીજા રાઉન્ડનું આયોજન કરી રહ્યું છે. રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં બીજા રાઉન્ડ માટે 11,155 ખાલી બેઠકો જાહેર કરવામાં આવી હતી, જેની સામે 5,814 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આમ, બીજા રાઉન્ડના અંતે પણ 5,341 બેઠકો પર પ્રવેશ બાકી રહ્યો છે. શિક્ષણ નિષ્ણાતોના મતે વાલીઓ દ્વારા શાળાઓની પસંદગી કરવામાં દર્શાવેલી ઉદાસીનતાને કારણે આ બેઠકો ખાલી રહી છે.

વાલીઓની અરુચિના કારણે ખાલી રહી બેઠકો

RTE પ્રવેશ પ્રક્રિયા હેઠળ આ વર્ષે રાજ્યની 9,770 ખાનગી શાળાઓમાં 83,678 બેઠકો પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેની સામે 1,85,887 વાલીઓની અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ઘણા કિસ્સાઓમાં વાલીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો ન હતો અથવા તો પ્રવેશ મેળવ્યા બાદ તેને રદ કરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં આશરે 1,08,021 વાલીઓને સ્કૂલની પુનઃ પસંદગી કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, 45,815 વાલીઓએ ઓનલાઇન સ્કૂલની પસંદગી કરવાની પ્રક્રિયામાં રસ દાખવ્યો ન હતો, જેના કારણે મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે.

માધ્યમવાર પ્રવેશની સ્થિતિ

બીજા રાઉન્ડની ફાળવણીમાં માધ્યમવાર આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ નીચે મુજબ છે:

  • ગુજરાતી માધ્યમ: 3,355 ખાલી બેઠકો સામે 2,878 જગ્યાઓ પર પ્રવેશ.

  • અંગ્રેજી માધ્યમ: 6,012 ખાલી બેઠકો સામે 2,887 જગ્યાઓ પર પ્રવેશ.

  • હિન્દી માધ્યમ: 1,614 ખાલી બેઠકો સામે માત્ર 38 જગ્યાઓ પર પ્રવેશ.

  • અન્ય માધ્યમ: 174 ખાલી બેઠકો સામે 11 જગ્યાઓ પર પ્રવેશ.

આ આંકડાઓ દર્શાવે છે કે, અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હજુ પણ સૌથી વધુ બેઠકો ખાલી છે.

આ પણ વાંચો: રાજકોટમાં NEET મામલે યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ: પેટ્રોલ પંપ પર ઝાલમુરી અને Melody ચોકલેટ વહેંચી સરકાર સામે પ્રદર્શન

વાલીઓ માટે મહત્વની સૂચના

જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, તેવા તમામ વાલીઓએ આગામી 4 જૂન સુધીમાં સંબંધિત સ્કૂલ પર જઈને જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહીને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. જો કોઈ વાલી આ મુદત દરમિયાન પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે, તો તેમનો પ્રવેશ રદ ગણાશે.

ત્રીજા રાઉન્ડની શક્યતા

રાજ્યમાં હજુ પણ 5,341 જેટલી બેઠકો ખાલી હોવાથી, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. આ રાઉન્ડ દ્વારા વધુમાં વધુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ મેળવવાની તક મળી રહેશે. ત્રીજા રાઉન્ડની તારીખો અને અન્ય વિગતો શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now