સ્માર્ટફોન માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ભાવવધારો જોવા મળી રહ્યો છે. સેમસંગ, શાઓમી સહિત અનેક સ્માર્ટફોન બ્રાન્ડ્સ પહેલાથી જ પોતાના ડિવાઇસના ભાવમાં વધારો કરી ચૂકી છે. આવા સમયમાં Appleના આગામી iPhone મોડલ્સને લઈને ગ્રાહકોમાં આશા હતી કે કંપની પોતાના પ્રીમિયમ સ્માર્ટફોનને હાલના ભાવની આસપાસ જ લોન્ચ કરશે. જોકે હવે Appleના CEO ટિમ કુકના તાજેતરના નિવેદન બાદ આ આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. ટિમ કુકે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું છે કે મેમરી અને સ્ટોરેજ ચિપ્સની કિંમતોમાં થયેલા ભારે વધારાને કારણે ભાવવધારાને લાંબા સમય સુધી અટકાવવું શક્ય નથી.
ટિમ કુકે શું કહ્યું?
એક ઇન્ટરવ્યૂ દરમિયાન Apple CEO ટિમ કુકે જણાવ્યું હતું કે કંપની અત્યાર સુધી વધતા ખર્ચનો બોજ પોતે સહન કરીને ગ્રાહકોને ભાવવધારાથી બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ હવે સ્થિતિ એવી બની ગઈ છે કે વધતા ખર્ચને સંપૂર્ણપણે કંપનીના સ્તરે સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે. કુકે સીધું iPhone 18નું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ધ્યાનમાં લેતા ટેક ઉદ્યોગમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આગામી iPhone અને iPad મોડલ્સના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
Apple વર્ષોથી પોતાની પ્રીમિયમ બ્રાન્ડ ઇમેજ જાળવી રાખવા માટે જાણીતી છે, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઇન, ચિપ્સના ભાવ અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાએ હવે કંપનીને પણ મુશ્કેલીમાં મૂકી છે. આ કારણે આગામી ફ્લેગશિપ ડિવાઇસ ખરીદવા માંગતા ગ્રાહકોને વધુ ખર્ચ કરવા માટે તૈયાર રહેવું પડી શકે છે.
કેમ વધી રહી છે iPhone બનાવવાની કિંમત?
તાજેતરના વર્ષોમાં AI આધારિત ટેક્નોલોજી અને હાઇ-પરફોર્મન્સ ડિવાઇસની વધતી માંગને કારણે મેમરી અને સ્ટોરેજ ચિપ્સના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. Apple પોતાના પ્રીમિયમ iPhone મોડલ્સમાં વધુ ઝડપી અને વધુ ક્ષમતાવાળી મેમરીનો ઉપયોગ કરે છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પર સીધી અસર પડી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, iPhone 17 Proના એક વેરિઅન્ટમાં ઉપયોગમાં લેવાતી 12GB RAM માટે Appleને અંદાજે 39 ડોલરનો ખર્ચ થયો હતો. જોકે આગામી iPhone 18 Proમાં સમાન ક્ષમતાની મેમરી માટે કંપનીને ઘણી વધારે રકમ ચૂકવવી પડી રહી છે. સ્ટોરેજ ચિપ્સની કિંમતોમાં પણ મોટો વધારો નોંધાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જ કારણ છે કે Apple માટે જૂના ભાવ જાળવી રાખવા મુશ્કેલ બની રહ્યું છે.
iPhone 18 Pro કેટલો મોંઘો થઈ શકે?
ટેક માર્કેટ સાથે જોડાયેલા અહેવાલો મુજબ Apple પોતાનો વર્તમાન નફાનો દર જાળવી રાખવા માંગે છે તો iPhone 18 Proની કિંમતમાં નોંધપાત્ર વધારો કરવો પડી શકે છે. અંદાજો મુજબ નવા મોડલની કિંમતમાં 25,000થી 30,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
Apple સામાન્ય રીતે સ્ટોરેજ અને સ્પેસિફિકેશનના આધારે કિંમતો નક્કી કરે છે. તેથી અલગ-અલગ સ્ટોરેજ વેરિઅન્ટમાં ભાવવધારાનું પ્રમાણ પણ અલગ હોઈ શકે છે. જો આ અંદાજો સાચા સાબિત થાય તો પ્રીમિયમ iPhone ખરીદવા માંગતા ગ્રાહકોને અગાઉ કરતાં ઘણું વધારે બજેટ ફાળવવું પડી શકે છે.
ઉત્પાદન ખર્ચમાં કેટલો થયો વધારો?
અહેવાલ મુજબ iPhone 17 Proના પાર્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ માટે Appleને અંદાજે 530 ડોલરનો ખર્ચ થયો હતો. પરંતુ મેમરી ચિપ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઘટકોના ભાવમાં વધારાને કારણે iPhone 18 Proની ઉત્પાદન કિંમત લગભગ 726 ડોલર સુધી પહોંચી શકે છે.
આ ઉપરાંત Apple આગામી iPhoneમાં વધુ અદ્યતન કેમેરા સિસ્ટમ, સુધારેલા AI ફીચર્સ અને અન્ય પ્રીમિયમ અપગ્રેડ્સ પણ આપી શકે છે. આ નવા હાર્ડવેર અને ટેક્નોલોજી ઉમેરાતા કુલ ખર્ચમાં વધુ વધારો થવાની શક્યતા છે. એટલે માત્ર ચિપ્સ જ નહીં પરંતુ નવા ફીચર્સ પણ ભાવવધારાનું કારણ બની શકે છે.
ભારતના ગ્રાહકો પર શું પડશે અસર?
જો અમેરિકામાં iPhone 18 Proની કિંમત ખરેખર વધે છે તો તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. ભારતમાં આયાત શુલ્ક, GST અને અન્ય કરના કારણે Appleના પ્રોડક્ટ્સ પહેલાથી જ અમેરિકાની સરખામણીએ મોંઘા વેચાય છે. આવી સ્થિતિમાં બેઝ પ્રાઇસમાં વધારો થશે તો ભારતીય ગ્રાહકો માટે અંતિમ કિંમત વધુ ઊંચી જઈ શકે છે.
ટેક વિશ્લેષકો માને છે કે જો અમેરિકામાં iPhone 18 Proની કિંમત લગભગ 1,399 ડોલર સુધી પહોંચે છે તો ભારતીય બજારમાં તેનો પ્રભાવ વધુ મોટો જોવા મળી શકે છે. પરિણામે નવા iPhoneના ટોપ મોડલ્સની કિંમત અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી શકે છે.
શું Apple પાસે બીજો કોઈ વિકલ્પ છે?
Apple માટે સૌથી મોટો પડકાર એ છે કે તે પોતાની પ્રોફિટેબિલિટી જાળવી રાખે અને સાથે ગ્રાહકોને પણ આકર્ષિત રાખે. કંપની ભાવ વધારવાને બદલે કેટલીક વખત સ્ટોરેજ વેરિઅન્ટમાં ફેરફાર, સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશન અથવા નવા બજારોમાં ઉત્પાદન વધારવા જેવા વિકલ્પો અજમાવી શકે છે. જોકે ટિમ કુકના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે વધતા ખર્ચનો કોઈને કોઈ ભાગ ગ્રાહકો સુધી પહોંચે તેવી શક્યતા નકારી શકાય નહીં.





