ગુજરાત સરકાર રાજ્યના વિકાસને વેગ આપવા માટે રાજ્યની કનેક્ટિવિટી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે રાજ્ય સરકાર રાજ્યમાં લોકો માટે રેલ્વે, બસ અને હવાઈ મુસાફરીની સુવિધા સરળ બનાવી રહી છે. આ અંતર્ગત રાજ્યમાં નવું એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ એક 'ઇન્ટરસ્ટેટ એરપોર્ટ' હશે, જેનો લાભ ગુજરાત સહિત ત્રણ રાજ્યોના લોકોને મળશે. દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંત સિંહ રાજપૂતે આ માહિતી આપી છે.
પૂરજોશમાં ચાલી રહ્યું છે આંતરરાજ્ય એરપોર્ટનું બાંધકામ
ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય રાજ્યમાં નાગરિક ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનો અને આંતરરાજ્ય પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં ઝાલોદમાં આ આંતરરાજ્ય એરપોર્ટનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ એરપોર્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
અર્થવ્યવસ્થાને મળશે વેગ
તેમણે કહ્યું હતું કે દાહોદમાં એરપોર્ટના વિકાસમાં ખાનગી જમીનનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે એરપોર્ટ માટે 100 ટકા જમીન સરકારી જમીનની હશે. મંત્રીએ જણાવ્યું હતું કે દાહોદના 150 કિમીની ત્રિજ્યામાં કોઈ એરપોર્ટ ન હોવાથી આ પ્રોજેક્ટથી જિલ્લાની અર્થવ્યવસ્થાને પણ વેગ મળવાની અપેક્ષા છે.
આ 3 રાજ્યોને થશે ફાયદો
મંત્રીએ વધુમાં જણાવ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દાહોદ જિલ્લામાંથી પસાર થાય છે. વધુમાં આ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવે છે. તેથી આ એરપોર્ટ માત્ર ગુજરાતના વિસ્તારોને જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોને પણ એર કનેક્ટિવિટી આપશે.
હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!: GSRTC એ ફરી શરૂ કરી ઓનલાઈન પાસ અને આ ખાસ સુવિધા!






