નરોડામાં બાઇક લઇને પસાર થઇ રહેલ યુવકને શખ્સે અટકાવ્યો હતો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી આજીવન કેદ વાળા કેસમાં ફસાવી દઇશ તેમ કહી વિમા અને પીયુસી બાબતે બાઇક જમા લેવાનું કહીને રૂ. 5 હજારની માંગણી કરી હતી. પરંતુ રૂપિયા ન હોવાથી શખ્સ યુવકને પૈસા લેવા એટીએમ સેન્ટર સુધી લઇ ગયો હતો. જો કે, યુવકે પૈસા ઉપાડ્યા ન હતા. જેથી શખ્સ તેનો ફોન લઇ પલાયન થઇ ગયો હતો. આ અંગે યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સૈજપુરમાં 45 વર્ષિય મનોજભાઇ પટેલ પરિવાર સાથે રહે છે અને વાયરોના વેચાણનું કામ કરે છે. ગત 18 એપ્રિલે મનોજભાઇ બપોરે પોતાના ઘરેથી નિકળી એણાસણ ગામ ખાતે કામ માટે જઇ રહ્યો હતો. ત્યારે નરોડા બેઠક પાસે એક બાઇક પર એક શખ્સ આવ્યો હતો અને તેનું બાઇક સાઇડમાં ઉભુ રખાવ્યું હતું. ત્યારબાદ અજાણ્યા શખ્સે જણાવ્યું હતું કે, હું ક્રાઇમ બ્રાન્ચમાં છું, આ મારું આઇકાર્ડ છે. ત્યારબાદ તરત જ આઇકાર્ડ ખિસ્સામાં મુકી દીધુ હતુ. જેથી મનોજભાઇ આઇકાર્ડ પણ જોઇ શક્યા ન હતા. તે શખ્સે મનોજભાઇને જણાવ્યું હતું કે, તમે દારુ લઇને જાવ છો. તેમ કહી તેમની બેગ જોવા માટે માંગી હતી. જેથી મનોજભાઇએ બેગ આપી હતી. પરંતુ બેગમાં દારૂ ન હતો અને કોઇ ગુનાહિત વસ્તુ પણ ન હતી. જેથી શખ્સે બાઇકના પુરાવા માંગ્યા હતા. જો કે બાઇકનો વિમો અને પીયુસી ન હતી જેથી તે શખ્સે બાઇક જપ્ત કરવાનું કહ્યું હતું. જેના કારણે મનોજભાઇએ આવું ન કરવાનું કહેતા વહીવટ કરવો પડશે. તેમ કહી 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ મનોજભાઇ પાસે પૈસા ન હોવાથી આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે શખ્સે જણાવ્યું હતું કે, જો તુ પૈસા નહીં આપે તો ખોટા કેસમાં તને ફસાવી દઇશ તારે ગમે તે કરી પૈસા તો આપવા જ પડશે. તારી પાસે એટીએમ પડ્યું છે તેથી એટીએમમાંથી ઉપાડી પૈસા આપ.
ત્યારબાદ તે શખ્સ મનોજભાઇને એટીએમ સેન્ટર ખાતે લઇ ગયો હતો. પરંતુ મનોજભાઇએ પૈસા આપવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાયો હતો અને તને આજીવન કેદની સજાના કેસમાં ફસાવી દઇશ. તારે બચવું હોય તો પૈસા તો આપવા જ પડશે. ગુગલ પે છે તેનાથી પૈસા આપ. ત્યારબાદ શખ્સ મનોજભાઇનો ફોન લઇ જતો રહ્યો હતો. આ અંગે મનોજભાઇએ અજાણ્યા શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી મૌલીક ઉર્ફે ટીકે ભૂપેન્દ્રભાઇ કંસારાને ઝડપી પાડ્યો હતો.
ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં: DGP ડૉ. કે.એલ.એન. રાવની ઉચ્ચ સ્તરીય બેઠક, અસામાજિક તત્વો સામે 'પાસા' લગાવવા આદેશ






