Ankleshwar Rath Yatra: અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. "જય જગન્નાથ"ના જયઘોષ સાથે સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.
મુસ્લિમ સમાજે કર્યું હાર્દિક સ્વાગત
રથયાત્રા શહેરના સેલારવાડ વિસ્તારમાં પહોંચતા અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ શ્રદ્ધાપૂર્વક રથયાત્રાનું સ્વાગત કરી ભાવિકો માટે ઠંડા પીણાં અને પાણીની સેવા પણ ગોઠવી હતી. આ સેવા પ્રવૃત્તિએ ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
ભાઈચારાનો સંદેશ આપતી અનોખી પહેલ
રથયાત્રા દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા અને પરસ્પર અભિવાદન કરતા જોવા મળ્યા હતા. બંને સમાજના લોકોની આ ભાગીદારીએ શહેરમાં કોમી સૌહાર્દ અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને આવકારી હતી.
આ પણ વાંચો: ઓડિશાથી ટ્રેનમાં લાવવામાં આવતો 21.40 કિલો પ્રતિબંધિત ગાંજો જપ્ત : સુરત રેલવે સ્ટેશન પાસે SOGની મોટી કાર્યવાહી
કોમી એકતાનું જીવંત ઉદાહરણ બન્યું અંકલેશ્વર
ધાર્મિક પ્રસંગે બંને સમાજ વચ્ચે જોવા મળેલી પરસ્પર સદભાવનાએ અંકલેશ્વરમાં ભાઈચારાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શહેરમાં સમગ્ર રથયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યો માહોલ રહ્યો હતો, જે અંકલેશ્વરની ગંગા-જમની સંસ્કૃતિ અને સામાજિક સમરસતાનું પ્રતિબિંબ બની રહ્યો હતો.






