Android 17 : Appleના iPhone માંથી Googleના Android સ્માર્ટફોન પર સ્વિચ કરવું અત્યાર સુધી ઘણા યુઝર્સ માટે પડકારજનક પ્રક્રિયા માનવામાં આવતી હતી. ડેટા ખોવાઈ જવાની ભીતિ, અલગ-અલગ એપ્લિકેશનનો ઉપયોગ અને જટિલ ટ્રાન્સફર પ્રક્રિયાના કારણે ઘણા લોકો ફોન બદલવાનું ટાળતા હતા. જોકે હવે Googleએ Android 17 સાથે રજૂ કરેલી નવી ડેટા માઇગ્રેશન સિસ્ટમ આ પ્રક્રિયાને નોંધપાત્ર રીતે સરળ બનાવી દીધી છે. Googleના જણાવ્યા અનુસાર Android 17માં ઉમેરાયેલું અપગ્રેડેડ માઇગ્રેશન સિસ્ટમ iPhoneથી Androidમાં ડેટા ટ્રાન્સફરને વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે આ માટે કોઈ ખાસ થર્ડ-પાર્ટી એપ્લિકેશનની જરૂર નહીં પડે. નવા Android ફોનના પ્રારંભિક સેટઅપ દરમિયાન જ વપરાશકર્તા પોતાના iPhone માંથી જરૂરી ડેટા વાયરલેસ રીતે ટ્રાન્સફર કરી શકશે.
હવે માત્ર ફોટા જ નહીં, પાસવર્ડ અને eSIM પણ થશે ટ્રાન્સફર
નવી સિસ્ટમ હેઠળ માત્ર ફોટા, વિડિયો, કોન્ટેક્ટ્સ અને મેસેજ જ નહીં પરંતુ Google એકાઉન્ટની માહિતી, સેવ કરેલા પાસવર્ડ્સ, Wi-Fi નેટવર્કના પાસવર્ડ્સ તેમજ eSIM સંબંધિત વિગતો પણ ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવી છે. આ સુધારાથી નવો ફોન સેટઅપ કરતી વખતે વપરાશકર્તાને ફરીથી દરેક વિગતો મેન્યુઅલી દાખલ કરવાની જરૂરિયાત ઘણી હદ સુધી ઘટી જશે. Googleએ પોતાના સત્તાવાર બ્લોગમાં જણાવ્યું છે કે આ નવી પ્રક્રિયા વપરાશકર્તાઓને વધુ સીમલેસ અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને જે લોકો વર્ષો પછી iPhone છોડીને Android અપનાવવા માંગે છે, તેમના માટે આ ફીચર ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ ખાસ વાંચો : 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે નહીં કરી શકે પોસ્ટ-કોમેન્ટ! : સોશિયલ મીડિયા માટે સરકાર લાવી રહી છે કડક નિયમો
હાલમાં મર્યાદિત ડિવાઇસ માટે, ટૂંક સમયમાં થશે વ્યાપક રોલઆઉટ
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવી સુવિધાનો રોલઆઉટ હાલમાં પસંદગીના Android ડિવાઇસ માટે શરૂ કરવામાં આવ્યો છે. જોકે આ Android ઓપરેટિંગ સિસ્ટમ લેવલનું ફીચર હોવાથી આગામી સમયમાં અન્ય ઉત્પાદકોના સ્માર્ટફોનમાં પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અપડેટ બાદ વપરાશકર્તા પોતાના જૂના ફોનની સેટિંગ્સ અને મહત્વપૂર્ણ માહિતી નવા Android સ્માર્ટફોનમાં વધુ સરળતાથી લઈ જઈ શકશે, જેના કારણે નવા ડિવાઇસનો ઉપયોગ શરૂ કરવામાં સમય પણ ઓછો લાગશે.
ડેટા ટ્રાન્સફર કેવી રીતે કરશો?
Googleના જણાવ્યા પ્રમાણે જ્યારે વપરાશકર્તા નવો Android 17 આધારિત સ્માર્ટફોન સેટઅપ કરે છે ત્યારે તેને iPhone અથવા iPad માંથી ડેટા કોપી કરવાનો વિકલ્પ જોવા મળે છે. આ વિકલ્પ પસંદ કર્યા બાદ Android ફોન એક QR કોડ જનરેટ કરે છે. iPhone દ્વારા આ QR કોડ સ્કેન કર્યા પછી બંને ઉપકરણો વચ્ચે સુરક્ષિત વાયરલેસ કનેક્શન સ્થાપિત થાય છે. ત્યારબાદ વપરાશકર્તા પોતાની જરૂરિયાત મુજબ કયો ડેટા ટ્રાન્સફર કરવો છે તેની પસંદગી કરી શકે છે. ટ્રાન્સફર પૂર્ણ થયા પછી પસંદ કરેલો ડેટા નવા Android ફોનમાં ઉપલબ્ધ થઈ જાય છે.
આ પણ ખાસ વાંચો : Meta Glassesથી રેકોર્ડ કરેલા વીડિયોને લઈને Instagramનો મોટો નિર્ણય : મંજૂરી વગર પોસ્ટ કરેલો કન્ટેન્ટ થશે દૂર
સફળ ટ્રાન્સફર માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Googleએ સરળ અને અવરોધરહિત ટ્રાન્સફર માટે કેટલીક મહત્વપૂર્ણ ભલામણો પણ કરી છે. ડેટા ટ્રાન્સફર શરૂ કરતા પહેલાં બંને સ્માર્ટફોનમાં પૂરતી બેટરી હોવી જોઈએ અથવા તેમને ચાર્જર સાથે જોડેલા રાખવા જોઈએ. બંને ઉપકરણો સ્થિર અને ઝડપી Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા હોવા જરૂરી છે. ઉપરાંત, નવા Android ફોનમાં ટ્રાન્સફર થનારા ડેટા માટે પૂરતી સ્ટોરેજ ઉપલબ્ધ હોવી પણ અનિવાર્ય છે. જો સ્ટોરેજ ઓછી હશે તો ટ્રાન્સફર પ્રક્રિયા અધૂરી રહી શકે છે.
Android અને iPhone વચ્ચેની ખાઈ વધુ ઘટશે
છેલ્લા કેટલાક વર્ષોમાં Google અને Apple બંને કંપનીઓએ અલગ-અલગ પ્લેટફોર્મ વચ્ચે ડેટા ટ્રાન્સફરને સરળ બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. Android 17નું નવું માઇગ્રેશન સિસ્ટમ તે દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ અપડેટથી નવા સ્માર્ટફોનમાં સ્વિચ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે અને વપરાશકર્તાઓને પોતાની મહત્વપૂર્ણ માહિતી ગુમાવવાની ચિંતા પણ ઓછી રહેશે. જો આ ફીચરનું વ્યાપક રોલઆઉટ આયોજન મુજબ પૂર્ણ થશે તો આવનારા સમયમાં iPhoneથી Android પર સ્વિચ કરવું અગાઉની સરખામણીએ ઘણું વધુ સરળ અને નિરાંતે બની શકે છે.





