Social Media Rules for Children: બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ વિશ્વભરના અનેક દેશો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ઓનલાઈન વ્યસન, હાનિકારક કન્ટેન્ટ, સાયબર બુલિંગ અને માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસરને ધ્યાનમાં રાખીને હવે વિવિધ દેશો સોશિયલ મીડિયા માટે કડક નિયમો અમલમાં મૂકી રહ્યા છે. આ જ દિશામાં હવે વિયેતનામ સરકારે પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગને લઈને નવા નિયમો તૈયાર કર્યા છે. પ્રસ્તાવિત નિયમો મુજબ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો સોશિયલ મીડિયા પર પોતાની રીતે પોસ્ટ, રિપોસ્ટ, કોમેન્ટ અથવા 'લાઈક' કરી શકશે નહીં. એટલું જ નહીં, સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો કરવામાં આવશે. સરકારનું માનવું છે કે બાળકોને ઓનલાઈન જોખમોથી સુરક્ષિત રાખવા માટે માત્ર માતા-પિતાની જ નહીં પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓની પણ જવાબદારી નક્કી કરવી જરૂરી છે.
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર રહેશે નવા નિયમો
રોઇટર્સના અહેવાલ મુજબ, વિયેતનામ સરકાર એક નવા આદેશનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે, જેમાં બાળકોની સોશિયલ મીડિયા પરની અનિયંત્રિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે અનેક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની પોસ્ટ કે રિપોસ્ટ કરી શકશે નહીં. ઉપરાંત તેઓ અન્ય યુઝર્સની પોસ્ટ પર 'લાઈક' અથવા 'કોમેન્ટ' પણ કરી શકશે નહીં. સરકારનો ઉદ્દેશ બાળકોને હાનિકારક ઓનલાઈન પ્રવૃત્તિઓથી બચાવવાનો અને સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઉભું કરવાનો છે.
આ પણ વાંચો: Meta Glassesથી રેકોર્ડ કરેલા વીડિયોને લઈને Instagramનો મોટો નિર્ણય : મંજૂરી વગર પોસ્ટ કરેલો કન્ટેન્ટ થશે દૂર
સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત
પ્રસ્તાવિત નિયમો હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પોતાના માતા-પિતા અથવા કાનૂની વાલીની માહિતીના આધારે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકશે. એટલે કે, બાળક પોતે સ્વતંત્ર રીતે એકાઉન્ટ બનાવી શકશે નહીં. એકાઉન્ટ નોંધણી દરમિયાન માતા-પિતા અથવા વાલીની ઓળખ અને સંમતિ જરૂરી રહેશે. સરકારનું માનવું છે કે આ વ્યવસ્થાથી બાળકોની ઓનલાઈન સુરક્ષા વધુ મજબૂત બનશે.
માતા-પિતાને સોંપાશે મોટી જવાબદારી
નવા નિયમોમાં માત્ર બાળકો પર જ નહીં પરંતુ માતા-પિતા પર પણ મહત્વપૂર્ણ જવાબદારી મૂકવામાં આવી છે. માતા-પિતાએ પોતાના બાળકો સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવે છે, તેઓ કયો કન્ટેન્ટ જુએ છે અને કોની સાથે સંપર્કમાં રહે છે તેની નિયમિત દેખરેખ રાખવી પડશે. બાળકોના ડિજિટલ જીવનમાં સક્રિય ભાગીદારી વધારવાનો આ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા કંપનીઓ માટે પણ કડક નિયમો
વિયેતનામ સરકારના ડ્રાફ્ટ મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે પણ પોતાની જવાબદારી નિભાવવી પડશે. કંપનીઓએ અદ્યતન ટેકનોલોજીની મદદથી બાળકોના એકાઉન્ટની ઓળખ કરવાની રહેશે અને તેમની ઉંમરને અનુરૂપ જ કન્ટેન્ટ બતાવવામાં આવે તેની ખાતરી કરવી પડશે. સાથે જ બાળકો માટે વધુ સુરક્ષિત અને પ્રાઈવસી કેન્દ્રિત એકાઉન્ટ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી પડશે. સરકારે ખાસ કરીને હિંસા, અશ્લીલતા, જુગાર, આત્મહત્યા સંબંધિત સામગ્રી અને અન્ય હાનિકારક કન્ટેન્ટને ઓળખીને તેને બાળકો સુધી પહોંચતું અટકાવવા માટે અસરકારક ફિલ્ટરિંગ સિસ્ટમ વિકસાવવાની પણ ભલામણ કરી છે.
આ પણ વાંચો: CJP અડગ : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના ચર્ચાનો અર્થ નથી
બાળકોની પ્રાઈવસી પર વિશેષ ભાર
પ્રસ્તાવિત નિયમોમાં બાળકોની ડિજિટલ પ્રાઈવસીનું વિશેષ રક્ષણ કરવાની જોગવાઈ પણ સામેલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકોના એકાઉન્ટ માટે વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા, ડેટા પ્રોટેક્શન અને ગોપનીયતા સુનિશ્ચિત કરવાની રહેશે, જેથી તેમની વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ ન થઈ શકે.
વિશ્વના અનેક દેશો કડક બની રહ્યા છે
વિયેતનામ એકલું એવું દેશ નથી જે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને લઈને નવા નિયમો બનાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પહેલેથી જ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ સંબંધિત કાયદો પસાર કર્યો છે. ફ્રાન્સ સહિત અન્ય ઘણા દેશો પણ બાળકોની ઓનલાઈન સુરક્ષા વધારવા માટે સમાન પ્રકારના નિયમો પર કામ કરી રહ્યા છે. વિશ્વભરમાં વધતી ડિજિટલ જાગૃતિ વચ્ચે સરકારો હવે ટેક્નોલોજી કંપનીઓને વધુ જવાબદાર બનાવવાની સાથે બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન માહોલ ઉભો કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.





