Metaના સ્માર્ટ ગ્લાસિસ (Meta Glasses) દ્વારા ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના વધતા કિસ્સાઓ વચ્ચે Instagramએ મોટું પગલું ભર્યું છે. હવે જો કોઈ વ્યક્તિ અન્ય લોકોની મંજૂરી વિના તેમનો વીડિયો રેકોર્ડ કરીને Instagram પર પોસ્ટ કરશે અને તેનાથી તેમની પ્રાઇવસીનો ભંગ થશે અથવા તેમને હેરાન કરવામાં આવશે, તો તે કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવશે. Instagramના વડા એડમ મોસેરીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
મંજૂરી વગર વીડિયો પોસ્ટ કરશો તો Instagram કરશે કાર્યવાહી
Instagramના હેડ એડમ મોસેરીએ જણાવ્યું છે કે પ્લેટફોર્મ પર એવો કોઈપણ કન્ટેન્ટ સ્વીકારવામાં આવશે નહીં જેમાં લોકોનો ગેરલાભ લેવામાં આવ્યો હોય અથવા તેમને હેરાન કરવામાં આવ્યા હોય. તેમના જણાવ્યા અનુસાર, Metaનું લક્ષ્ય એવું વાતાવરણ બનાવવાનું છે જ્યાં યુઝર્સ સુરક્ષિત અનુભવે અને તેમની પ્રાઇવસીનું સન્માન થાય. જો કોઈ વ્યક્તિ Meta Glasses અથવા અન્ય ઉપકરણથી છુપાઈને વીડિયો બનાવી તેને Instagram પર શેર કરશે, તો તે પોસ્ટને દૂર કરવામાં આવશે અને જરૂરી હોય તો સંબંધિત એકાઉન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મોસેરીએ સ્પષ્ટ કર્યું કે કંપની એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માંગતી નથી જેમાં લોકોની જાણ વગર તેમનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવે અથવા મનોરંજનના નામે તેમની સાથે હેરાનગતિ કરવામાં આવે. આ કારણસર Instagram પોતાની નીતિઓનું વધુ કડક પાલન કરાવશે.
આવા બે એકાઉન્ટ્સ સામે પહેલેથી જ કાર્યવાહી
મીડિયા અહેવાલો મુજબ, Instagramએ આવા બે એકાઉન્ટ્સ પહેલેથી જ પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. આ એકાઉન્ટ્સ પર લોકોની મંજૂરી વિના તેમના વીડિયો બનાવી અપલોડ કરવાનો અને હેરાનગતિ કરતો કન્ટેન્ટ શેર કરવાનો આરોપ હતો. Metaએ પણ આ કાર્યવાહી અંગે પુષ્ટિ કરી છે. કંપનીનું કહેવું છે કે યુઝર્સની પ્રાઇવસી અને સલામતી તેની પ્રથમ પ્રાથમિકતા છે.
Meta Glassesમાં આવશે નવા સુરક્ષા ફીચર્સ
બીજી તરફ Meta પણ પોતાના સ્માર્ટ ગ્લાસિસમાં નવા સુરક્ષા અપડેટ્સ લાવી રહી છે જેથી ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરવાનું મુશ્કેલ બને. અગાઉ કેટલાક જૂના મોડલમાં રેકોર્ડિંગ દરમિયાન ચાલુ થતી LED ઇન્ડિકેટર લાઇટને ઢાંકી દેવી અથવા તેમાં ફેરફાર કરવો શક્ય હતો. જેના કારણે આસપાસના લોકોને ખબર પડતી નહોતી કે વીડિયો રેકોર્ડ થઈ રહ્યો છે.
હવે Meta નવા સોફ્ટવેર અપડેટ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. જો સિસ્ટમને લાગશે કે રેકોર્ડિંગ ઇન્ડિકેટર લાઇટને ઇરાદાપૂર્વક ઢાંકી દેવામાં આવી છે અથવા તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે, તો સ્માર્ટ ગ્લાસિસનો કેમેરો આપમેળે બંધ થઈ જશે. કંપનીનું માનવું છે કે આ ફીચર પ્રાઇવસીના દુરુપયોગને રોકવામાં મદદરૂપ બનશે.
છતાં પણ પ્રાઇવસીને લઈને ચિંતા યથાવત
જોકે Meta નવા સુરક્ષા ફીચર્સ લાવી રહી છે, તેમ છતાં પ્રાઇવસી અંગેની ચિંતાઓ હજુ સંપૂર્ણપણે દૂર થઈ નથી. નિષ્ણાતોનું માનવું છે કે જાહેર સ્થળો અથવા દિવસના પ્રકાશમાં સ્માર્ટ ગ્લાસિસ પર લાગેલી નાની LED લાઇટ સરળતાથી નજરે પડતી નથી. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે કે નહીં તે ઓળખવું મુશ્કેલ બની શકે છે. તેથી માત્ર ટેક્નિકલ અપડેટ પૂરતા નથી, પરંતુ યુઝર્સમાં જવાબદાર ઉપયોગ અંગે જાગૃતિ પણ જરૂરી છે.
Instagramનું નવું Replace Audio ફીચર પણ આવ્યું
તાજેતરમાં Instagramએ પોતાના યુઝર્સ માટે Replace Audio નામનું નવું ફીચર પણ રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી હવે યુઝર્સ પોતાની જૂની Reelsમાં રહેલું ગીત અથવા ઓડિયો સરળતાથી બદલી શકશે. અગાઉ કોઈ Reelમાં નવું ગીત ઉમેરવું હોય તો આખી Reel ડિલીટ કરીને ફરી અપલોડ કરવી પડતી હતી. હવે નવા અપડેટ બાદ એવું કરવાની જરૂર નહીં રહે અને જૂની Reel જાળવી રાખીને તેમાં ઓડિયો બદલવો શક્ય બનશે.
આ ફીચર ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ ટ્રેન્ડિંગ મ્યુઝિક અથવા નવા ઓડિયો સાથે પોતાની જૂની Reelsને ફરીથી અપડેટ કરી શકશે.





