N. Chandrababu Naidu ની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં ઘટતા વસ્તી વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય જાહેર કર્યો છે. દેશમાં જ્યાં એક તરફ વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે વિવિધ નીતિઓ અને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યાં આંધ્રપ્રદેશ સરકારે હવે વધુ બાળકોને પ્રોત્સાહન આપતી નવી યોજના લાવવાનો નિર્ણય લીધો છે.
નવી જાહેરાત મુજબ, રાજ્યમાં હવે પરિવારમાં ત્રીજા બાળકના જન્મ પર સરકાર દ્વારા 30 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જ્યારે ચોથા બાળકના જન્મ પર 40 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના દ્વારા રાજ્ય સરકાર વસ્તી વૃદ્ધિ દરમાં સુધારો લાવવા અને ભવિષ્યમાં માનવ સંસાધનની અછત અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
રાજ્ય સરકારની આ જાહેરાત બાદ રાજકીય તેમજ સામાજિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે સામાન્ય રીતે ભારતના મોટાભાગના રાજ્યોમાં પરિવાર નિયોજન અને નાની ફેમિલીની વિચારધારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આંધ્રપ્રદેશ સરકારની આ નીતિને એક અલગ દિશામાં લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
“બાળકો દેશની સંપત્તિ છે”: નાયડુ
સ્વર્ણ આંધ્ર-સ્વચ્છ આંધ્ર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જાહેર મંચ પરથી લોકોની માનસિકતા બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે બાળકોને ક્યારેય બોજ તરીકે જોવું જોઈએ નહીં.
તેમણે જણાવ્યું હતું કે, “બાળકો આપણા દેશની સૌથી મોટી સંપત્તિ છે. જો આજે જન્મદર સતત ઘટતો રહેશે તો ભવિષ્યમાં યુવા વર્ગ અને કાર્યક્ષમ માનવબળની ગંભીર અછત સર્જાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.”
નાયડુએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાય માત્ર આર્થિક પ્રોત્સાહન નથી, પરંતુ સમાજમાં બાળકો પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવા માટેનો પ્રયાસ પણ છે.
અહેવાલો મુજબ, અગાઉ બીજા બાળકના જન્મ પર પણ 25 હજાર રૂપિયાની સહાય અંગે ચર્ચા ચાલી રહી હતી, જોકે અત્યાર સુધી તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
"આ આપત્તિઓનો દશકો છે, જો સ્થિતિ નહીં સુધરે તો ભારે પડશે...": નેધરલેન્ડ્સથી PM મોદીની દુનિયાને ચેતવણી, ભારતીય સમુદાય સમક્ષ કર્યા મોટા ખુલાસા
“હું પહેલા ફેમિલી પ્લાનિંગનો સમર્થક હતો”
ચંદ્રબાબુ નાયડુએ પોતાના રાજકીય જીવનના જૂના અભિગમને યાદ કરતા કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેઓ પરિવાર નિયોજનને સક્રિય રીતે સમર્થન આપતા હતા. પરંતુ હાલની વસ્તી પરિસ્થિતિને જોતા હવે તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું છે.
તેમણે કહ્યું કે, “સમય અને પરિસ્થિતિ બંને બદલાઈ ગયા છે. પહેલા વધતી વસ્તી ચિંતાનો વિષય હતી, પરંતુ હવે ઘટતો જન્મદર ભવિષ્ય માટે પડકાર બની રહ્યો છે. આજના બાળકો જ આવતીકાલનું ભારત બનાવશે.”
નાયડુના આ નિવેદનને દક્ષિણ ભારતની હાલની ડેમોગ્રાફિક પરિસ્થિતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જ્યાં અનેક રાજ્યોમાં જન્મદર સતત નીચે જઈ રહ્યો છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં કેમ વધી રહી છે ચિંતા?
દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોવું, નોકરી માટે સ્થળાંતર, શહેરોમાં વધતો જીવન ખર્ચ અને નાની ફેમિલીની માનસિકતા જેવા કારણોસર જન્મદર ઘટી રહ્યો છે.
આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વૃદ્ધોની વસ્તીનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. પરિણામે ભવિષ્યમાં કાર્યક્ષમ યુવા વસ્તી ઘટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે જો યુવાનોની સંખ્યા સતત ઘટશે તો લાંબા ગાળે અર્થતંત્ર, ઉત્પાદન ક્ષેત્ર અને સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓ પર તેની સીધી અસર પડી શકે છે.
ચંદ્રબાબુ નાયડુ છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભારતના કેટલાક ભાગોમાં હવે “વસ્તી નિયંત્રણ” નહીં પરંતુ “વસ્તી સંતુલન” વધુ મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે.
નેધરલેન્ડ્સમાં પીએમ મોદીનો રમૂજી અંદાજ: પૂછ્યું- 'ઝાલમુડી અહીં પણ પહોંચી ગઈ?' ખડખડાટ હસી પડ્યા
સ્થાનિક ચૂંટણી નિયમોમાં પણ ફેરફારના સંકેત
અગાઉ પણ નાયડુએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે લાગુ બેથી વધુ બાળકો ન હોવાની શરત હટાવવાના સંકેત આપ્યા હતા. હવે રોકડ સહાય યોજના જાહેર કરીને રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે જન્મદર વધારવા માટે સક્રિય નીતિ અપનાવવા તૈયાર છે.
આંધ્રપ્રદેશ સરકારની આ જાહેરાતે દેશમાં વસ્તી, અર્થતંત્ર અને ભવિષ્યના માનવ સંસાધન વિશેની ચર્ચાને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવી દીધી છે.





