Andhra Bus Fire: આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં આજે વહેલી સવારે એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. રાયવરમ પાસે એક ખાનગી લક્ઝરી બસ અને પુરપાટ ઝડપે આવતા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, ટક્કર લાગતાની સાથે જ બસમાં જોતજોતામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 14 જેટલા મુસાફરોને બસમાંથી બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો અને તેઓ જીવતા ભડથું થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અત્યાર સુધીમાં 23 જેટલા ઘાયલોને બચાવીને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી અનેકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.
સવારે 6 વાગ્યે સર્જાયો મોતનો તાંડવ
મળતી માહિતી મુજબ, હરિકૃષ્ણા ટ્રાવેલ્સની આ ખાનગી બસ તેલંગાણાના નિર્મલથી આંધ્ર પ્રદેશના નેલ્લોર જઈ રહી હતી. સવારે અંદાજે 6:00 વાગ્યાની આસપાસ જ્યારે મુસાફરો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે પ્રકાશમ જિલ્લાના માર્કાપુરમ ડિવિઝનમાં રાયવરમ પાસે સામેથી આવતા એક ટીપર ડમ્પર સાથે બસની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસના એન્જિનમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આખી બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય : ભારત સહિત આ 5 દેશોને હોર્મુઝમાંથી પસાર થવાની આપી મંજૂરી, અમેરિકી F-18 તોડી પાડ્યાનો દાવો!
મુસાફરોને બચવાનો સમય જ ન મળ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ કે બસની બારીઓ તોડીને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. ચીફ પોલીસ ઓફિસરના જણાવ્યા મુજબ, શરૂઆતમાં 8 લોકોના મોતના સમાચાર હતા, પરંતુ હોસ્પિટલમાં દમ તોડનારા અને બસની અંદરથી મળી આવેલા અવશેષોના આધારે મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી આ આંકડો વધવાની આશંકા સેવાઈ રહી છે.
સરકાર દ્વારા તપાસના આદેશ અને સહાયની જાહેરાત
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને આઈટી મંત્રી નારા લોકેશે આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે, ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે અને અકસ્માત પાછળના કારણોની ઊંડી તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવે. નારા લોકેશે જણાવ્યું હતું કે, સરકાર પીડિત પરિવારોની સાથે છે અને તેમને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.





