Home Gujarat An Accident Occurred During The Ongoing Work Of The Bullet Train Bridge In Surat

સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામ દરમિયાન સર્જાઈ દુર્ઘટના : માછીમારી કરતા સમયે લોખંડની ભારે પ્લેટ પડતા પિતા-પુત્રીનાં મોત, ચકચાર મચી

સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામ દરમિયાન સર્જાઈ દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 03:32 PM IST

સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન બ્રિજના કામ દરમિયાન થયેલી ગંભીર દુર્ઘટનામાં પિતા અને પુત્રીના કરુણ મોત થયા છે. આ અકસ્માત તાપી નદી વિસ્તારમાં સાંજના સમયે બન્યો હતો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

તાપીમાં માછીમારી સમયે લોખંડની ભારે પ્લેટ પડતા દબાયા

પ્રાપ્ત માહિતી મુજબ, તાપી નદી ઉપર ચાલી રહેલા બુલેટ ટ્રેન બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન અચાનક લોખંડની ભારે પ્લેટ નીચે પડી હતી. આ પ્લેટ નીચે તે સમયે માછીમારી કરી રહેલા પિતા અને પુત્રી દબાઈ ગયા, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતકોની ઓળખ કઠોર ગામ વિસ્તારના બદાત ફળિયામાં રહેતા 25 વર્ષીય મોહસીન શેખ અને તેમની પુત્રી હુમા શેખ તરીકે થઈ છે.

પ્લેટ કેવી રીતે અને કયા કારણોસર પડી તેની તપાસ કરાશે

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતની ભયાનકતા જોઈ લોકો સ્તબ્ધ બની ગયા હતા અને સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ દુર્ઘટનાને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. લોખંડની પ્લેટ કેવી રીતે અને કયા કારણોસર પડી, તેમજ સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ચૂક થઈ, તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. પોલીસ અને પ્રોજેક્ટ સંકળાયેલા અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટ અધિકારીઓના નિવેદન લેવામાં આવશે, તેમ PI દ્વારા જણાવવામાં આવ્યું છે.

બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટમાં કામ દરમિયાન આવી ઘટના સર્જાતા સુરક્ષા વ્યવસ્થાઓ અને કામની દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

મૃતકના નામ

મોહસીન ઇકબાલ શેખ ( ગામ - કઠોર)

હુમા મોહસીન શેખ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now