Home Gujarat Amit Shah New Year Visit Gujarat Bjp Leaders 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 61મો જન્મદિવસ : પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા. નવા વર્ષના રામ રામ કહેવા નિવાસસ્થાને લાગી ભીડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 61મો જન્મદિવસ
Published by: OBS Bureau
Last Updated: Oct 22, 2025, 06:05 AM IST

ભારતના ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 22 ઓક્ટોબર 1964ના રોજ તેમનો જન્મ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુભેચ્છા પાઠવતા તેમની જનસેવા અને કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી છે.

PM મોદીએ પોસ્ટમાં લખ્યું કે, “ગૃહમંત્રી અમિત શાહજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. જનસેવા પ્રત્યેની સમર્પણભાવના અને અવિરત મહેનતને કારણે તેમને વ્યાપક પ્રશંસા મળે છે. તેમણે ભારતના આંતરિક સુરક્ષા તંત્રને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. દરેક ભારતીય સુરક્ષિત અને સન્માનજનક જીવન જીવે તે સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રયત્નો પ્રશંસનીય છે. હું તેમના દીર્ઘાયુ અને સારા આરોગ્યની પ્રાર્થના કરું છું.”

જોકે આજે બેસતા વર્ષનો પર્વ હોવાથી અમદાવાદ સ્થિત તેમના નિઃવાસસ્થાને નેતાઓ, કાર્યકરોની ભીડ લાગી છે.

અમિત શાહને શુભેચ્છા આપવા પહોંચેલા નેતાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના પ્રભાવી નેતાઓનો સમાવેશ થાય છે. સૌએ ગૃહમંત્રીએ ભારતની આંતરિક સુરક્ષા અને સહકાર ક્ષેત્રમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી અને નવા વર્ષ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિર અને અડાલજ ત્રિમંદિર ખાતે પૂજા-અર્ચના સાથે કરી હતી. તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી.

વિક્રમ સંવત 2082ના આ નવા વર્ષના આરંભે રાજ્યભરમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે, જેમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

અમિત શાહના જીવનની શરૂઆત એક સામાન્ય પરિવારથી થઈ હતી. તેમના પિતા અનિલચંદ્ર શાહ અને માતા કુસુમબેન શાહ મુંબઈમાં વસવાટ કરતા ગુજરાતી દંપતી હતા. તેમના દાદા ગાયકવાડના વડોદરા રાજ્યની એક નાની રિયાસત “માણસા”માં વેપારી તરીકે પ્રખ્યાત હતા.

રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ અમિત શાહે ટૂંકા સમયમાં જ ભાજપમાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું. તેમણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, ભાજપના મહાસચિવ, અને બાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. 2019ની લોકસભા ચૂંટણીઓમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા અને બાદમાં દેશના ગૃહમંત્રી બન્યા.

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ અમિત શાહને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે મોકલવામાં આવ્યા હતા. તેમની રાજકીય રણનીતિના પરિણામે ભાજપે રાજ્યની 80માંથી 73 બેઠકો જીતવી અને વોટ પર્સન્ટેજ 42 ટકા સુધી પહોંચ્યો. આ સફળતાએ શાહને રાજકારણના સૌથી પ્રભાવશાળી રણનીતિકાર તરીકે સ્થાપિત કર્યા.

આજે, તેમના 61મા જન્મદિવસે, રાજકારણથી લઈને પ્રશાસન સુધીના ક્ષેત્રોમાં અમિત શાહનું યોગદાન યાદ કરવામાં આવી રહ્યું છે. ભારતના આંતરિક સુરક્ષા તંત્રને મજબૂત બનાવવા માટે તેમના નિર્ણયો અને નીતિઓને પ્રશંસા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય