કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. વડનગર અમદાવાદથી લગભગ 100 કિમી ઉત્તરમાં સ્થિત છે. આ સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના ઇતિહાસને દર્શાવે છે. આ મ્યુઝિયમ 12,500 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને ભારતનું પ્રથમ પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલય કહેવામાં આવી રહ્યું છે. અહીં આવતા પ્રવાસીઓ ખોદકામ કરાયેલ સ્થળ તેમજ 5,000થી વધુ પ્રાચીન વસ્તુઓ જોઈ શકશે. જેમાં માટીના વાસણો, મોતી, સીપના ઘરેણા અને પ્રારંભિક બૌદ્ધ કલાકૃતિઓનો સમાવેશ થાય છે.
300 કરોડના ખર્ચે બનાવાયું મ્યુઝિયમ
આ સંગ્રહાલય ભારતનું એકમાત્ર સંગ્રહાલય છે જે નવા ખોદકામમાંથી મળેલી વસ્તુઓ પ્રદર્શિત કરે છે. આ સંગ્રહાલયને 300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એકવાર પૂર્ણ થયા પછી, લોકો અહીં સદીઓ જૂના સાંસ્કૃતિક સ્તરો જોઈ શકશે. રાજ્ય સંગ્રહાલય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સંગ્રહાલય ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
गुजरात के वडनगर का गौरवशाली इतिहास 2500 साल से भी पुराना है। इसे संजोने और संरक्षित करने के लिए यहां अनूठे प्रयास किए गए हैं। pic.twitter.com/4NvA5vG1Rx
— Narendra Modi (@narendramodi) January 17, 2025
આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જે વડનગરના 2500 વર્ષના ઇતિહાસ અને તેના પ્રાચીન જ્ઞાનના ભંડારને ઉજાગર કરે છે. ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો સાથે આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસ અને સંસ્કૃતિના શોખીનો માટે એક ખાસ ભેટ છે.
સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો
વડનગર શહેરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ-અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને કારણે હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું.
વડનગર એ દેશના પ્રસિદ્ધ પુરાતત્વીય સ્થળોમાંનું એક છે, જ્યાં આજે પણ આપણી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો હજુ પણ જોવા મળે છે. વડનગરમાં ₹298 કરોડના ખર્ચે નિર્મિત અનંત અનાદિ વડનગર પુરાતત્વીય પ્રાયોગિક સંગ્રહાલયનું આજે ઉદ્ઘાટન કર્યુ.
— Amit Shah (@AmitShah) January 16, 2025
મ્યુઝિયમ બિલ્ડિંગ અને ઉત્ખનન સંકુલ એમ બે ભાગમાં… pic.twitter.com/M9dPKFIOW9
ગુજરાતના પુરાતત્વ વિભાગને વડનગરમાં ખોદકામ દરમિયાન બૌદ્ધ મઠના અવશેષો મળ્યા હતા. વડનગર સુધી પ્રવાસીઓ સહેલાઇથી પહોંચી શકે તે માટે વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. વડનગરના આશરે 4500 વર્ષ જૂના શર્મિષ્ઠા તળાવનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે ત્યાં બોટિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે, તેમજ ઓપન એર થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.






