Home Gujarat Ambalal Patel Made A Big Prediction About Cold And Weather

'...ડિસેમ્બર બાદ ગુજરાતમાં આકરી ઠંડી પડશે' : અંબાલાલ પટેલે ઠંડી અને હવામાનને લઈ કરી મોટી આગાહી

'...ડિસેમ્બર બાદ ગુજરાતમાં આકરી ઠંડી પડશે'
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 10:41 AM IST

Ambalal Patel Forecast :રાજ્યમાં હાલ ઠંડીનો ખાસ અનુભવ થતો નથી ત્યારે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આવનારા દિવસોના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 'હાલ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી લોકોને ઠંડી ઓછી અનુભવાઈ રહી છે'.

'હવામાનમાં કોઈ મોટો પલટો આવવાની સંભાવના નથી'

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર '21 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વાદળો ઘેરાવવાની શક્યતા રહેશે, પરંતુ હાલ હવામાનમાં કોઈ મોટો પલટો આવવાની સંભાવના નથી. ઉત્તર પશ્ચિમ ભારતમાં એક એન્ટી સાયક્લોનિક પરિસ્થિતિ બનેલી છે, જેના કારણે વાદળો પાછા ધકેલાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે પશ્ચિમી વિક્ષેપ ગુજરાત સુધી પહોંચતા નથી અને વાદળો ઉપરથી પસાર થઈ જાય છે, તેથી રાજ્યના હવામાનમાં મોટા ફેરફાર જોવા મળતા નથી'.

'22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં આકરી ઠંડી પડી શકે'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર દરમિયાન હળવોથી મધ્યમ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે. તેના પરિણામે ઉત્તર ભારતમાં બરફવર્ષા અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બરફવર્ષાની અસરને કારણે 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં આકરી ઠંડી પડી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે જાન્યુઆરી માસ દરમિયાન પણ એક કે બે હળવા કે મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરી એક વખત પલટો આવી શકે છે. આ વખતે જાન્યુઆરી મહિનો ખાસ કરીને વધુ ઠંડો રહેવાની શક્યતા છે.

'પશ્ચિમી વિક્ષેપની અસર એપ્રિલ માસ સુધી રહેવાની શક્યતા'

તેમણે વધુમાં ઉમેર્યું કે, 'પશ્ચિમી વિક્ષેપની અસર એપ્રિલ માસ સુધી રહેવાની શક્યતા છે. જેના કારણે ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, અચાનક માવઠું અથવા કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કુલ મળીને અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલ ભલે ઠંડી ઓછી લાગે, પરંતુ ડિસેમ્બર અંત અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ વધે તેવી સંભાવના છે, સાથે જ આવનારા મહિનાઓમાં હવામાન અસ્થિર રહેવાની શક્યતા પણ નકારી શકાય નહીં'.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now