અંબાલાલ પટેલની ફરીએકવાર આગાહી સામે આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા પાયે ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યના અનેક ભાગોમાં 1 ઇંચથી લઈને 2થી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને સાબરમતી નદી બે કાંઠે થઈ શકે છે. આગામી 25 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ વધુ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તો 6થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2થી 4 ઇંચ વરસાદ, જ્યારે કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પણ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે!
28 ઓગસ્ટ સુધીમાં અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જેમ કે નર્મદા અને તાપી નદીમાં જળસ્તર વધવાની શક્યતા જણાઈ રહી છે. આગામી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ચીનમાંથી આવેલા તોફાનના અવશેષોના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય બનશે. ત્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. નવરાત્રિ દરમિયાન પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે. 23 સપ્ટેમ્બરથી ગરમીમાં વધારો થશે અને ખેલૈયાઓ પરસેવાથી રેબઝેબ થશે. નવરાત્રિની શરૂઆત વાદળછાયા વાતાવરણ રહેશે. ત્યારબાદ 6, 7 અને 8 સપ્ટેમ્બરના દિવસે રાજ્યના કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા પડી શકે છે.
5 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે
27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી પણ કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે. 5 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન અને ફરી 17 ઓક્ટોબરથી પણ દરિયાકાંઠે તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. 18 નવેમ્બરથી ડિસેમ્બર શરૂઆત સુધીમાં વાવાઝોડું આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેની અસરના કારણે રાજ્યમાં માવઠું પણ થઇ શકે છે. આગામી મહિનાઓમાં ગુજરાતમાં મોસમ ખૂબ જ સક્રિય રહેશે અને ખેતી તથા સામાન્ય જનજીવન ઉપર તેનો સીધો અસર થવાનો અણસાર છે.





















