શિવભક્તો માટે અમરનાથ યાત્રા વધુ સરળ બની શકે તેવી મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી છે. હાલ અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે બે મુખ્ય માર્ગો—બાલટાલ અને પહેલગામ—ઉપલબ્ધ છે, પરંતુ હવે લદ્દાખ તરફથી ત્રીજો અને સૌથી ટૂંકો માર્ગ વિકસાવવાનો પ્રસ્તાવ ચર્ચામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનની મંજૂરી મળશે તો ભવિષ્યમાં શ્રદ્ધાળુઓ માટે બાબા બરફાનીના દર્શન વધુ સરળ અને ઝડપી બની શકે છે.
પ્રસ્તાવિત નવા માર્ગને લઈને લદ્દાખના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ માર્ગ તૈયાર થયા બાદ અમરનાથ યાત્રાનો સમય નોંધપાત્ર રીતે ઘટી શકે છે અને શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં પવિત્ર ગુફાના દર્શન કરીને પરત ફરી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ કયા માર્ગોથી થાય છે અમરનાથ યાત્રા?
હાલ અમરનાથ યાત્રા માટે બે સત્તાવાર માર્ગ ઉપલબ્ધ છે. પ્રથમ માર્ગ બાલટાલથી શરૂ થાય છે, જ્યાંથી અમરનાથ ગુફા સુધીનું અંતર આશરે 14 કિલોમીટર છે. આ માર્ગ ટૂંકો હોવા છતાં ઊંચાઈ અને ચઢાણને કારણે પડકારજનક માનવામાં આવે છે. બીજો માર્ગ પહેલગામથી પસાર થાય છે. આ માર્ગની કુલ પદયાત્રા આશરે 34 કિલોમીટર લાંબી છે. આ રસ્તો લાંબો હોવા છતાં ઘણા શ્રદ્ધાળુઓ કુદરતી સૌંદર્ય અને પરંપરાગત યાત્રાના અનુભવ માટે આ માર્ગ પસંદ કરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ બંને માર્ગો મારફતે બાબા બરફાનીના દર્શન માટે પહોંચે છે.
આ પણ વાંચો: દેશના પૂર્વ અને પહાડી રાજ્યોમાં વરસાદનો કહેર યથાવત : ઉત્તરાખંડ-હિમાચલમાં 438થી વધુ રસ્તા બંધ
લદ્દાખથી નવા માર્ગનો પ્રસ્તાવ
લેહ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદના પૂર્વ મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તાશી ગ્યાલસને અમરનાથ યાત્રા માટે લદ્દાખ તરફથી ત્રીજો માર્ગ વિકસાવવાની માંગ ઉઠાવી છે. તેમણે સૂચન કર્યું છે કે લદ્દાખ પ્રશાસન, કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકાર સાથે મળીને આ દિશામાં કામ કરે. તેમનું માનવું છે કે જો આ માર્ગ વિકસાવવામાં આવશે તો યાત્રાળુઓને ઓછા સમયમાં વધુ સુરક્ષિત અને સરળ રીતે અમરનાથ ગુફા સુધી પહોંચવાની તક મળશે. આ માર્ગ ધાર્મિક પ્રવાસનને પણ નવી દિશા આપી શકે છે.
ક્યાંથી બનશે નવો માર્ગ?
પ્રસ્તાવ અનુસાર આ નવો માર્ગ ઝોજિલા ટનલના પૂર્વીય પ્રવેશદ્વારથી અમરનાથની પવિત્ર ગુફા સુધી વિકસાવવામાં આવી શકે છે. આ માર્ગની અંદાજિત લંબાઈ આશરે 6 કિલોમીટર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો આ યોજના અમલમાં આવશે તો હાલના બંને માર્ગોની સરખામણીએ આ સૌથી ટૂંકો માર્ગ બનશે. માર્ગ મીનામાર્ગ-દ્રાસ વિસ્તાર તરફથી વિકસાવવાનો વિચાર છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે આ માર્ગ વર્ષના વધુ સમય સુધી ઉપયોગમાં રહી શકે અને ભવિષ્યમાં પ્રવાસન તથા સ્થાનિક અર્થતંત્રને પણ તેનો લાભ મળી શકે. જોકે હાલ આ માત્ર પ્રસ્તાવના તબક્કે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસ, BP અને હાર્ટના દર્દીઓ માટે ખુશખબર! : સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા, મેડિકલ સ્ટોર હવે નહીં કરી શકે મનમાની
એક જ દિવસમાં દર્શનની સંભાવના
પ્રસ્તાવિત નવા રૂટનો સૌથી મોટો લાભ એ માનવામાં આવે છે કે યાત્રાળુઓ એક જ દિવસમાં અમરનાથ ગુફાના દર્શન કરીને પરત ફરી શકે. હાલના માર્ગોમાં લાંબી પદયાત્રા અને સમય વધુ લાગતો હોવાથી અનેક શ્રદ્ધાળુઓને બે કે તેથી વધુ દિવસનો સમય ફાળવવો પડે છે. જો ટૂંકો માર્ગ તૈયાર થશે તો વડીલો, મહિલાઓ અને શારીરિક રીતે નબળા યાત્રાળુઓને પણ રાહત મળી શકે છે. જોકે અંતિમ નિર્ણય ભૂગોળ, સુરક્ષા, પર્યાવરણ અને ટેક્નિકલ સર્વેના આધારે લેવામાં આવશે.
અમરનાથ યાત્રા 2026
શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર વર્ષ 2026ની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલવાની છે. યાત્રામાં ભાગ લેવા ઇચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ અગાઉથી સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી બાદ જ યાત્રાળુઓને યાત્રાની મંજૂરી આપવામાં આવશે. શ્રાઇન બોર્ડ દર વર્ષે સુરક્ષા, આરોગ્ય અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને યાત્રાનું આયોજન કરે છે. નવો માર્ગ હજુ પ્રસ્તાવના તબક્કે હોવાથી યાત્રાળુઓએ હાલમાં માત્ર શ્રાઇન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર માર્ગો અને માર્ગદર્શિકાનું જ પાલન કરવું જોઈએ. જો ભવિષ્યમાં આ નવા માર્ગને મંજૂરી મળશે તો તેની સત્તાવાર જાહેરાત સંબંધિત સરકાર અને શ્રાઇન બોર્ડ દ્વારા કરવામાં આવશે.