National News: દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા જેવા પૂર્વીય અને પહાડી રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ, ભૂસ્ખલન અને માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે, તો બીજી તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ચોમાસું નબળું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. નવી સેટેલાઇટ તસવીરો મુજબ ચોમાસાના સક્રિય વાદળો હવે દેશના પશ્ચિમ ભાગમાંથી પૂર્વ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારો તરફ ખસી ગયા છે. જેના કારણે ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદથી સૌથી વધુ અસર
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં વરસાદ સંબંધિત વિવિધ અકસ્માતોમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગંગા સહિત અનેક નદીઓ ઉફાન પર હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાપુડમાં ભારે વરસાદ બાદ એક અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જ્યાં એક થાર કાર ડૂબી જતાં સ્થાનિક તંત્રને બચાવ કામગીરી હાથ ધરવી પડી હતી. બીજી તરફ બિજનૌરમાં ગંગા અને માલન નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે મેરઠ-બિજનૌર હાઈવે અને હરિદ્વાર તરફ જતા કેટલાક મહત્વના માર્ગો પર વાહનવ્યવહાર સ્થગિત કરવો પડ્યો છે.
ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનનો ખતરો
ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 118થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. યમુનોત્રી નેશનલ હાઈવેનો અંદાજે 100 મીટર જેટલો ભાગ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે, જેના કારણે ચારધામ યાત્રા પર પણ અસર પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં 320થી વધુ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ચંડીગઢ-શિમલા ફોરલેન સહિત અનેક મુખ્ય માર્ગો પર કાટમાળ પડતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. કેટલાક વિસ્તારોમાં વાહનો કાટમાળ નીચે દટાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે, જ્યારે દસથી વધુ મકાનોને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે.
મિઝોરમમાં પ્રવાસીઓ ચાર દિવસથી ફસાયા
મિઝોરમના લુંગલેઈ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં 80થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 29 સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-54 પર ભૂસ્ખલન થતાં માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જેના કારણે બુઆલ્તે ગામ નજીક છેલ્લા ચાર દિવસથી અનેક પ્રવાસીઓ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો માર્ગ ખુલ્લો કરવા માટે સતત કામગીરી કરી રહી છે.
બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ વરસાદની અસર
બિહારમાં ભારે વરસાદ અને તેજ પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. રાજધાની પટનામાં રસ્તાઓ પર વૃક્ષો પડતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ ઋષિકેશના ત્રિવેણી ઘાટ પર ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે, જેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું ધીમું પડ્યું છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 15 જુલાઈ બાદ ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે જારી કરી ચેતવણી
હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. જોકે હવામાનમાં અચાનક ફેરફારની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગાહીઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ડાયાબિટીસ, BP અને હાર્ટના દર્દીઓ માટે ખુશખબર! : સરકારે 39 દવાઓના ભાવ નક્કી કર્યા, મેડિકલ સ્ટોર હવે નહીં કરી શકે મનમાની
બચાવ કામગીરી સતત ચાલુ
ભારે વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય સરકારો, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અનેક સ્થળોએ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે અને રસ્તાઓ ફરી શરૂ કરવા માટે ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હવામાનની સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવશે અને જરૂર પડ્યે વધુ રાહત દળોને પણ તૈનાત કરવામાં આવશે.






