Aman Sanger : વૈશ્વિક ટેકનોલોજીની દુનિયામાં હાલમાં એક ભારતીય મૂળના યુવાનની ભારે ચર્ચા થઈ રહી છે. માત્ર 14 વર્ષની ઉંમરે કોડિંગ શરૂ કરનાર અમન સેંગર (Aman Sanger) આજે કોઈ પણ મોટી ડિગ્રી કે પરંપરાગત નોકરી વિના અબજો રૂપિયાના માલિક બની ગયા છે. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) દ્વારા તેમના AI કોડિંગ પ્લેટફોર્મ કર્સર (Cursor) ની પેરેન્ટ કંપની એનસ્ફિયર (Anysphere) ના સંપાદનની જાહેરાત બાદ અમન સેંગર આખા વિશ્વમાં હેડલાઇન્સ બની ગયા છે.
પારિવારિક પૃષ્ઠભૂમિ
અમન સેંગરનો જન્મ અમેરિકાના ન્યુયોર્કમાં થયો હતો. તેમનો પરિવાર શિક્ષણ અને વ્યવસાય સાથે મજબૂત રીતે જોડાયેલો છે. તેમના પિતા અરવિંદ સેંગર IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને અમેરિકન હેજ ફંડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. જ્યારે તેમની માતા શિલ્પા સેંગર પણ એક સફળ ઉદ્યોગસાહસિક અને ઓર્થોડોન્ટિસ્ટ છે. આ વાતાવરણે અમનને બાળપણથી જ કંઈક નવું કરવાની પ્રેરણા આપી હતી.
શરૂઆતની સફર
અમનને બાળપણથી જ કોમ્પ્યુટર અને ટેકનોલોજી પ્રત્યે ભારે આકર્ષણ હતું. તેમણે માત્ર 14 વર્ષની નાની ઉંમરે જ પ્રોગ્રામિંગ શીખવાનું શરૂ કરી દીધું હતું. પોતાના આ શોખને કારણે તેમણે આગળ જતાં ગૂગલ અને બ્રિજવોટર એસોસિએટ્સ જેવી વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઇન્ટર્નશિપ મેળવી અને સોફ્ટવેર ઉદ્યોગનો વ્યવહારિક અનુભવ મેળવ્યો.
G7 માં મોદી, મેલોની અને ટ્રમ્પ વચ્ચે શું ચાલી રહી હતી ચર્ચા?: સિગારેટથી ગ્રીનલેન્ડ સુધી દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓની ખાનગી વાતો વાયરલ
સ્ટાર્ટઅપનો વિચાર અને શિક્ષણનો ત્યાગ
અમન સેંગરે વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યાં તેમની મુલાકાત માઈકલ ટ્રુએલ, સાલેહ આસિફ અને અરવિદ લુનેમાર્ક સાથે થઈ. આ ચારેય મિત્રોએ વર્ષ 2022 માં એક એવું AI પ્લેટફોર્મ બનાવવાનું નક્કી કર્યું જે પ્રોગ્રામિંગને એકદમ સરળ બનાવી શકે. આ સ્ટાર્ટઅપને પૂરો સમય આપવા માટે તેઓએ અભ્યાસ અધૂરો છોડવાનું મોટું જોખમ લીધું અને ઉદ્યોગસાહસિકતાનો માર્ગ પસંદ કર્યો.
કર્સર AI ટૂલનો વિકાસ
શરૂઆતમાં આ ટીમ મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે AI સહાયક વિકસાવી રહી હતી. પરંતુ ટૂંક સમયમાં જ તેમને સમજાયું કે સોફ્ટવેર ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આની વધુ જરૂર છે. આથી તેમણે પોતાની દિશા બદલી અને એક એવું પાવરફુલ AI ટૂલ બનાવ્યું જે સમગ્ર કોડબેઝને સમજી શકે. આ ટૂલ ડેવલપર્સને કોડ લખવા, ભૂલો સુધારવા અને જટિલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે, જે આજે 'Cursor' તરીકે ઓળખાય છે અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મમાં સામેલ છે.
શા માટે ખાસ છે કર્સર પ્લેટફોર્મ?
કર્સર એ એક AI-સંચાલિત કોડિંગ પ્લેટફોર્મ છે જે સોફ્ટવેર ડેવલપર્સ માટે વર્ચ્યુઅલ કોડિંગ પાર્ટનર તરીકે કામ કરે છે. તે મોટા કોડબેઝનું વિશ્લેષણ કરીને સ્માર્ટ સૂચનો આપે છે, જેનાથી સોફ્ટવેર બનાવવાની પ્રક્રિયા ખૂબ ઝડપી બને છે. આ કંપનીનો વિકાસ આશ્ચર્યજનક રહ્યો છે. નવેમ્બર 2025 સુધીમાં તેની વાર્ષિક આવક 1 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી. ત્યારબાદ થોડા જ મહિનામાં આ આંકડો ઝડપથી વધીને જૂન 2026 સુધીમાં લગભગ 4 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે.
બ્રિટનમાં સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટ પર બંધ થવાનો ખતરો: લીઝ બચાવવા સૌથી જૂની ભારતીય હોટેલના માલિક કોર્ટ પહોંચ્યા
મોટી કંપનીઓ દ્વારા ઉપયોગ અને સ્પેસએક્સ ડીલ
આજે વિશ્વભરની આશરે 50,000 થી વધુ ટેક કંપનીઓના ડેવલપર્સ કર્સરનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં Nvidia, Adobe, Uber, Shopify અને PayPal જેવી દિગ્ગજ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સ્પેસએક્સ સાથે થયેલી આશરે 60 બિલિયન ડોલરની ડીલ પછી અમન સેંગરની અંદાજિત સંપત્તિ 5.5 બિલિયન ડોલર એટલે કે આશરે 50,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. 14 વર્ષની ઉંમરે શરૂ થયેલી કોડિંગની આ સફર આજે અબજો ડોલરની મોટી સફળતાની વાર્તા બની ગઈ છે.





