Home Gujarat Vadodara Alpesh Limbachiya Controversy Vadodara Election

"એક પણ વિધર્મીને ઘૂસવા નહીં દઈએ" : ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા અલ્પેશ લીંબચિયાના વિવાદાસ્પદ સૂર

Alpesh Limbachiya
Published by: Aryan Shah
Last Updated: Apr 22, 2026, 05:52 AM IST

Alpesh Limbachiya : પાલિકા અને પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘણીવાર વાણી પરનો સંયમ પણ ખોઈ રહ્યા છે. વડોદરામાં તાજેતરમાં જ ભાજપમાં 'ઘર વાપસી' કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.

અશાંતધારાના બહાને વિધર્મીઓ પર નિશાન

છાણી ટીપી-13 વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધતા અલ્પેશ લીંબચિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, "તમારા વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને અહીં ઘૂસવા દેવામાં આવશે નહીં. આ ભારતીય જનતા પાર્ટી છે." તેમણે સ્થાનિક વસ્તીના આંકડા ટાંકીને લોકોને ઉશ્કેરતા વધુમાં ઉમેર્યું હતું કે, "મને જાણવા મળ્યું છે કે આટલા મોટા ફ્લેટ્સમાં પણ માત્ર સાત-આઠ ઘર જ વિધર્મીઓના છે. આપણા લોકો આટલી ઓછી સંખ્યાથી ડરતા હોય છે, જ્યારે આપણા 500 ઘર હોય તો પણ આપણે ડરવું જોઈએ નહીં. તેઓ આપણી વચ્ચે છાતી કાઢીને આવે છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ."

કોણ છે અલ્પેશ લીંબચિયા?

અલ્પેશ લીંબચિયા અગાઉ વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 19 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. જોકે, તેમનો ભૂતકાળ પણ વિવાદોથી ભરેલો રહ્યો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ વાંધાજનક પત્રિકાઓ વહેંચવાના કેસમાં તેમનું નામ ખુલતા ભાજપે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ, આગામી ચૂંટણીના સમીકરણો જોતા પક્ષે તાજેતરમાં જ તેમનું સસ્પેન્શન રદ કરી તેમને ફરીથી ભાજપમાં સામેલ કર્યા છે.

રાજકીય અસરો

ચૂંટણી ટાણે જ ધર્મના નામે ધ્રુવીકરણ કરવાનો આ પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે. અશાંતધારા જેવા કાયદાકીય શસ્ત્રનો ઉપયોગ રાજકીય ભાષણોમાં કરીને મતોનું લણી લેવાની આ રણનીતિ સામે વિરોધ પક્ષો અને બુદ્ધિજીવીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદાસ્પદ નિવેદન બાદ ચૂંટણી પંચ કે ભાજપ હાઈકમાન્ડ આ મામલે કેવા પગલાં ભરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now