Home Gujarat All 5 Members Of The Same Family Swallowed Poisonous Medicine 5 Pepole Died

એક જ પરિવારના તમામ 5 સભ્યએ ગટગટાવી ઝેરી દવા : પતિ-પત્ની સહિત 3 માસૂમ બાળકોના સામૂહિક આપઘાતથી હડકંપ, પોલીસ દોડતી થઈ

એક જ પરિવારના તમામ 5 સભ્યએ ગટગટાવી ઝેરી દવા
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2025, 05:40 AM IST

Breaking News: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો. મોડીરાત્રે એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. બગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકના કરુણ મોત નિપજ્યાં છે.

આ ઘટના તારીખ 20 જુલાઈના રોજ રાત્રે 1:30 વાગ્યા પહેલાના કોઈ સમયે બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પાંચેય સભ્યએ રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને ત્યાર પછી ક્યારેય ઉઠ્યા જ નહીં. સ્થાનિકોના મતે સવારે જ્યારે પડોશીઓએ દરવાજો ખખડાવ્યો અને કોઈ જવાબ ન મળતા, તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી.


એક જ પરિવારના પાંચ સભ્યના આ સામૂહિક આપઘાતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પરિવાર મૂળ ધોળકાના બારકોઠા વિસ્તાર, દેવીપૂજક વાસનો વતની હતો અને હાલ બગોદરા બસ સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક વિપુલભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

મૃતકોની વિગતોઃ

વિપુલ કાનજીભાઈ વાઘેલા - ઉંમર 32 વર્ષ (પતિ)

સોનલ વિપુલભાઈ વાઘેલા - ઉંમર 26 વર્ષ (પત્ની)

કરીના ઉર્ફે સિમરન વિપુલભાઈ વાઘેલા - ઉંમર 11 વર્ષ (પુત્રી)

મયુર વિપુલભાઈ વાઘેલા - ઉંમર 8 વર્ષ (પુત્ર)

પ્રીન્સી વિપુલભાઈ વાઘેલા - ઉંમર 5 વર્ષ (પુત્રી)

બનાવની જાણ થતાં જ તાત્કાલિક બગોદરા પોલીસ, 108 એમ્બ્યુલન્સ, અમદાવાદ ગ્રામ્ય SP, ASP, LCB-PI, SOG PI અને FSL ટીમ ઘટના સ્થળે પહોંચી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને સ્થળ પરથી પૂરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

જોકે, આ પરિવારે અચાનક આવું પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી. આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે. હાલમાં કોઈ સુસાઇડ નોટ કે સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. આ પરિવાર પર કોઈ આર્થિક દબાણ હતું કે કોઈ વ્યક્તિગત કારણો હોઈ શકે, તેવી આશંકા પણ પોલીસ તપાસના કેન્દ્રમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now