Air New Zealand Skynest: લાંબા અંતરની ફ્લાઈટમાં કલાકો સુધી બેસીને મુસાફરી કરવી હવે જૂની વાત બની જશે. એરલાઈન્સ મુસાફરો માટે એક એવી અનોખી સુવિધા લાવી છે, જે તમારી મુસાફરીને સંપૂર્ણપણે આરામદાયક બનાવી દેશે.
લાંબી હવાઈ મુસાફરીનો થાક દૂર કરવા માટે એર ન્યુઝીલેન્ડ દ્વારા વિશ્વના પ્રથમ 'ઈકોનોમી સ્કાયનેસ્ટ' બેડ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે સામાન્ય ટિકિટ ધરાવતા મુસાફરો પણ ફ્લાઈટની અંદર બનેલા ખાસ સ્લીપિંગ પોડ્સમાં આરામથી સૂઈ શકશે.
કેવા હશે આ પોડ્સ?

આ સ્લીપિંગ પોડ્સને બંક બેડની જેમ ડિઝાઈન કરવામાં આવ્યા છે, જેની લંબાઈ અંદાજે 6 ફૂટ 8 ઈંચ રાખવામાં આવી છે. દરેક બેડની સાથે મુસાફરોને નરમ ગાદલું, ઓશીકું, ધાબળો અને પ્રાઈવસી માટે પડદા જેવી તમામ જરૂરી સુવિધાઓ મળશે.
બુકિંગના નિયમો શું છે?

મુસાફરો આ બેડને એકવારમાં વધુમાં વધુ 4 કલાક માટે બુક કરી શકશે, જેથી તેઓ પોતાની ઊંઘ પૂરી કરી શકે. દરેક પેસેન્જરના વપરાશ પછી, કેબિન ક્રૂ બેડની ચાદર અને ઓશીકું બદલશે જેથી સંપૂર્ણ સ્વચ્છતા જળવાઈ રહે.
કેટલું હશે ભાડું?

આ ખાસ સુવિધા માટે મુસાફરોએ પોતાની ટિકિટ સિવાય અંદાજે 495 ડોલર એટલે કે 40 થી 45હજાર રૂપિયા અલગથી ચૂકવવા પડશે. આ સુવિધા સૌથી પહેલા ન્યૂયોર્કથી ઓકલેન્ડ જેવી 17 કલાક લાંબી ફ્લાઈટ્સમાં શરૂ કરવામાં આવશે.
ક્યારથી મળશે સર્વિસ?

નવેમ્બરથી શરૂ થનારી લાંબા અંતરની ફ્લાઈટ્સ માટે આ બેડ્સનું બુકિંગ આ જ વર્ષે 18 મેથી શરૂ થઈ જશે. એરલાઈનનું માનવું છે કે આ ફેરફારથી ઈકોનોમી ક્લાસના મુસાફરોની મુસાફરી પહેલા કરતા વધુ આરામદાયક બનશે.
બીજા કયા વિકલ્પો છે?

ન્યુઝીલેન્ડ એરલાઈન્સ પાસે પહેલાથી જ 'સ્કાય કાઉચ'નો વિકલ્પ ઉપલબ્ધ છે, જ્યાં ત્રણ સીટોને જોડીને બેડ બનાવી દેવામાં આવે છે. હવે 'સ્કાયનેસ્ટ' આવવાથી એવા લોકોને વધુ ફાયદો થશે જેઓ મુસાફરી દરમિયાન સીધા સૂઈ રહેવા માંગે છે.





