Home National Air India Indigo Flight Cuts Domestic Routes Impact June 2026

હવાઈ મુસાફરોને મોટો ઝટકો : દેશની બે મોટી એરલાઇન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડી, જાણો શું છે કારણ?

Air India IndiGo Flight Cuts
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: May 27, 2026, 07:04 AM IST

અમદાવાદ: જો તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. દેશની બે અગ્રણી એરલાઈન્સ કંપનીઓ, એર ઈન્ડિયા (Air India) અને ઈન્ડિગો (IndiGo) એ સ્થાનિક ફ્લાઈટોની સંખ્યામાં મોટો કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, 1 જૂન 2026 થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ વિવિધ સ્થાનિક રૂટ્સ પર પોતાની ફ્લાઈટ સર્વિસ ઘટાડશે. આ નિર્ણયને પગલે અમદાવાદ સહિત દેશના મોટા શહેરો વચ્ચેની કનેક્ટિવિટી પર અસર પડશે.

ફ્લાઈટ ઘટાડવા પાછળના મુખ્ય કારણો

એરલાઈન્સ કંપનીઓના આ નિર્ણય પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે:

  • ATFના ભાવમાં ભડકો: આંતરરાષ્ટ્રીય બજારમાં, ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) ના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં ઈંધણની કિંમત પ્રતિ કિલોલીટર રૂ. 1 લાખની સપાટીને પાર કરી ગઈ છે, જેની સીધી અસર એરલાઈન્સના સંચાલન ખર્ચ પર પડી રહી છે.

  • મુસાફરોની માંગમાં ઘટાડો: ઉનાળુ વેકેશન પૂર્ણ થવાના આરે હોવાથી હવાઈ મુસાફરોની સંખ્યામાં દર વર્ષની જેમ ઘટાડો જોવા મળી રહ્યો છે. વધતા ખર્ચ અને ઘટતી માંગને જોતા એરલાઈન્સે પોતાનું ઓપરેશન મર્યાદિત કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ: કાલુપુર ફ્લાયઓવર પર 1200 ટન સ્પાન લોન્ચ

કયા રૂટ્સ પર પડશે અસર?

આ નિર્ણયની સીધી અસર મુંબઈ અને દિલ્હી જેવા મેજર એરપોર્ટ હબ પરથી ઉડતી ફ્લાઈટો પર જોવા મળશે. મુંબઈથી અમદાવાદ, નાગપુર, પટના અને ભોપાલ જતી ફ્લાઈટ્સમાં ઘટાડો થઈ શકે છે. આ જ રીતે દિલ્હીથી હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતાના રૂટ્સ પર પણ ફ્લાઈટ્સની ફ્રીક્વન્સી ઘટશે. જોકે, એરલાઈન્સે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં, માત્ર ફ્લાઈટ્સની સંખ્યામાં ફેરફાર કરવામાં આવશે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે આવી ફ્લાઈટ્સને પહેલેથી જ બુકિંગ વેબસાઈટ્સ પરથી હટાવી દેવામાં આવી છે.

શું ટિકિટના ભાવમાં થશે વધારો?

એવિએશન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, ATF ના ભાવ જો આ જ રીતે ઉંચા રહેશે, તો એરલાઈન્સ કંપનીઓ પોતાનો આર્થિક બોજ ઘટાડવા માટે ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. હાલમાં તો કંપનીઓ ઓછી ડિમાન્ડ ધરાવતા રૂટ્સ પર ફ્લાઈટ્સ ઘટાડીને ખર્ચ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની મુસાફરીનું પ્લાનિંગ કરતા પહેલા એરલાઈન્સની વેબસાઈટ પર ફ્લાઈટ સ્ટેટસ ચોક્કસપણે તપાસી લે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now