AI Photo : આજના સોશિયલ મીડિયાના જમાનામાં કોઈપણ વાયરલ ફોટા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની મદદથી હવે એવી તસવીરો તૈયાર કરવામાં આવી રહી છે જે પહેલી નજરે બિલકુલ અસલી લાગે છે. પહેલાના સમયમાં AI થી બનેલા ફોટાને ઓળખવા સરળ હતા કારણ કે, તેમાં ચહેરા વાંકાચૂકા દેખાતા હતા અથવા બેકગ્રાઉન્ડમાં ઘણી ભૂલો જોવા મળતી હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીએ AI ઇમેજને એટલી એડવાન્સ બનાવી દીધી છે કે અસલી અને નકલી ફોટા વચ્ચેનો તફાવત સમજવો અશક્ય બની જાય છે. આ જ કારણે લોકો ઘણીવાર તપાસ કર્યા વગર જ નકલી તસવીરોને સાચી માનીને શેર કરી દે છે.
AI ફોટામાં કઈ જગ્યાએ ભૂલો પકડી શકાય
ભલે AI ઇમેજ પહેલા કરતાં વધુ વાસ્તવિક બની ગઈ હોય પરંતુ તેમાં હજુ પણ એવી કેટલીક ખામીઓ રહી જાય છે, જેને ધ્યાનથી જોતાં પકડી શકાય છે. ઘણી વખત ફોટામાં હાથની આંગળીઓ અસામાન્ય દેખાય છે દાંતની રચના અજીબ લાગે છે અથવા ચશ્મા અને કાનની બુટ્ટીઓ યોગ્ય રીતે સેટ થયેલી હોતી નથી. તસવીરમાં લખેલો ટેક્સ્ટ પણ ઘણી વખત ઉલટો અથવા સમજની બહાર હોય છે. આ સિવાય ભીડમાં હાજર લોકોના ચહેરા એક સરખા દેખાવા પ્રકાશ અને પડછાયાનો યોગ્ય તાલમેલ ન હોવો અથવા બેકગ્રાઉન્ડમાં અકુદરતી વસ્તુઓ દેખાવી તે પણ AI ફોટોની ઓળખ હોઈ શકે છે. તેથી કોઈપણ વાયરલ તસવીરને ઝૂમ કરીને કાળજીપૂર્વક જોવી ખૂબ જ જરૂરી છે.
AI ઈમેજ ક્રિએશનમાં ભારત આગળ: ChatGPTનો નવો ટૂલ ટ્રેન્ડમાં
ChatGPT અને Gemini કેવી રીતે કરે છે ફોટાની ઓળખ
હવે દુનિયાની મોટી ટેક કંપનીઓ પણ AI ઇમેજની ઓળખ કરવા માટે નવા ટૂલ્સ તૈયાર કરી રહી છે. OpenAI કંપનીએ એક એવી સિસ્ટમ બનાવી છે જે ફોટો AI થી બનેલો છે કે તેમાં એડિટિંગ કરવામાં આવ્યું છે તે શોધી કાઢે છે. યુઝર્સ પોતાના ફોન કે કમ્પ્યુટર બ્રાઉઝરમાં OpenAI નું ઇમેજ વેરિફિકેશન ટૂલ ખોલીને ફોટો અપલોડ કરી શકે છે. ત્યારબાદ સિસ્ટમ ફોટોને સ્કેન કરે છે અને તેમાં રહેલા ડિજિટલ સંકેતો અને પેટર્નની તપાસ કરે છે. તપાસ પુરી થતાં જ ખબર પડી જાય છે કે, ફોટો અસલી છે કે નકલી. બીજી તરફ Google નું Gemini પણ SynthID ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજી AI થી બનેલા ફોટામાં ખાસ પ્રકારના ડિજિટલ માર્કર્સ ઓળખવામાં સક્ષમ છે. યુઝર્સ Gemini એપમાં ફોટો અપલોડ કરીને સીધો જ સવાલ પૂછી શકે છે કે આ તસવીર AI જનરેટેડ છે કે નહીં.
અમેરિકામાં AI કંપનીઓ વચ્ચે યુદ્ધ: ટ્રમ્પે Anthropicને કરી દીધી બ્લેકલિસ્ટ, OpenAIને તાત્કાલિક ડીલ! જાણો શું છે મામલો
રિવર્સ ઇમેજ સર્ચ પણ છે એક મોટું હથિયાર
AI ફોટોની સત્યતા જાણવા માટે રિવર્સ ઇમેજ સર્ચ પણ એક બહુ ઉપયોગી રસ્તો માનવામાં આવે છે. આમાં કોઈપણ તસવીરને સર્ચ એન્જિન પર અપલોડ કરીને એ જોઈ શકાય છે કે, તે ઇન્ટરનેટ પર પહેલીવાર ક્યારે અને ક્યાં દેખાઈ હતી. જો એક જ ફોટો અલગ-અલગ વાર્તાઓ અને દાવાઓ સાથે વાયરલ થઈ રહ્યો હોય તો તેના ફેક હોવાની શક્યતા વધી જાય છે. સાથે જ જો કોઈ તસવીર કોઈ ભરોસાપાત્ર ન્યૂઝ વેબસાઇટ કે સત્તાવાર પ્લેટફોર્મ પર હાજર ન હોય તો તેના પર શંકા કરવી જરૂરી બની જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આવનારા સમયમાં AI કન્ટેન્ટ વધુ સ્માર્ટ બનશે તેથી ઇન્ટરનેટ પર દેખાતા દરેક વાયરલ ફોટાને તપાસ્યા વગર સાચો માનવો જોખમી સાબિત થઈ શકે છે.





