Home Gujarat Ahmedabad Ahmedabad Shela Fire Skycity Riviera Elite Incident

અમદાવાદના શેલાના 'સ્કાયસિટી રિવેરા ઇલાઇટ'માં ભીષણ આગ : સવારના 8 વાગ્યે 'સ્કાયસિટી'માં ચીસાચીસ! રહીશો જીવ બચાવવા નીચે દોડ્યા

fire Skycity Riviera Elite Shela
Published by: Nirali Gohil
Last Updated: Mar 26, 2026, 03:47 AM IST

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા શેલામાં આજે વહેલી સવારે એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલા જાણીતા 'સ્કાયસિટી રિવેરા ઇલાઇટ' (Skycity Riviera Elite) બિલ્ડિંગના ત્રીજા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સવારના સમયે જ્યારે લોકો ઘરમાં હાજર હતા, ત્યારે જ આગ ફાટી નીકળતા સી-બ્લોકના રહીશોમાં ફાળ પડી હતી અને જીવ બચાવવા લોકો નીચે દોડી આવ્યા હતા.

અમદાવાદ ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહીને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. આગની તીવ્રતા એટલી વધુ હતી કે તેનો ધુમાડો 15મા માળ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ઉપરના માળે રહેતા લોકો ગૂંગળામણનો ભય અનુભવી રહ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ત્રીજા માળેથી શરૂ થયેલી આગ ચોથા માળ સુધી પ્રસરી

મળતી માહિતી મુજબ, આજે 26 માર્ચે સવારે અંદાજે 8:00 વાગ્યાની આસપાસ 'સ્કાયસિટી રિવેરા ઇલાઇટ'ના સી-બ્લોકમાં ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. શરૂઆતમાં બેથી ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગની જ્વાળાઓ એટલી ઉંચી હતી કે તે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક વધુ મદદ બોલાવવામાં આવી હતી અને કુલ 12 જેટલી ગાડીઓ કામે લગાડવામાં આવી હતી.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય : ભારત સહિત આ 5 દેશોને હોર્મુઝમાંથી પસાર થવાની આપી મંજૂરી, અમેરિકી F-18 તોડી પાડ્યાનો દાવો!

15 માળ સુધી ફેલાયો ધુમાડો, રહીશોમાં ભયનો માહોલ

બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળે આગ લાગવાના કારણે ધુમાડો આખી બિલ્ડિંગમાં પ્રસરી ગયો હતો. 15મા માળ સુધી ધુમાડાના ગોટેગોટા પહોંચતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સી-બ્લોકના રહીશો તાત્કાલિક પોતાના ઘર છોડીને નીચે ઉતરી ગયા હતા. આગમાં ફસાયેલા કેટલાક લોકોને ફાયરની ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

ફાયર ઓફિસરનું નિવેદન: સ્થિતિ હવે કાબૂમાં

ચીફ ફાયર ઓફિસર એ. કે. ડોંગરેએ મીડિયા સાથે વાતચીત દરમિયાન ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "આગનો મેસેજ મળતા જ ફાયર ફાઈટરો સ્થળ પર રવાના કરી દેવાયા હતા. આગ ત્રીજા અને ચોથા માળે પ્રસરી હતી, પરંતુ ટીમે પાણીનો મારો ચલાવી તેને આગળ વધતી અટકાવી દીધી છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કુલ 8 થી 12 વાહનો દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી." મહત્વનું છે કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર
એટ્રોસિટી ફરિયાદ નિકાલમાં ગુજરાત દેશમાં મોખરે
ગુજરાત વિધાનસભાના 8મા સત્રનું સફળ સમાપન
Play Video
અમદાવાદ: C.G રોડની જાણીતી બેકરીની નાનખટાઈમાંથી નીકળી જીવાત