Home Gujarat Ahmedabad Ahmedabad Shahpur Ramji Temple Restoration

અમદાવાદના આ મંદિરમાં 250 વર્ષ બાદ ફરી ગુંજશે મંત્રોચ્ચાર : શારદાપીઠના જગતગુરુ સદાનન્દજીની હાજરીમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા

Ramji Temple
Play Video
Image Credit: OBS Bureau
Published by: OBS Bureau
Last Updated: Apr 29, 2026, 11:03 AM IST

Ahmedabad : અમદાવાદ શહેર તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં જાણીતું છે. આ વારસામાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના શાહપુર વિસ્તારમાં દરવાજાના ખાંચામાં આવેલું આશરે 250 વર્ષ જૂનું ઐતિહાસિક રામજી મંદિર હવે તેના નવા અને ભવ્ય સ્વરૂપમાં ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મુકાશે. વર્ષો જૂના આ મંદિરનો અત્યંત કુશળતાપૂર્વક જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય પુનઃનિર્માણ બાદ હવે આગામી દિવસોમાં અહીં દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે.

મંદિરનો ભવ્ય અને પૌરાણિક ઈતિહાસ

આ મંદિર માત્ર એક ઈંટ-પથ્થરનું બાંધકામ નથી, પરંતુ અઢી સદીનો ઈતિહાસ સાચવીને બેઠેલું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1776 માં સુપ્રસિદ્ધ રામાનુજ સંપ્રદાયના તત્કાલીન વડા જગતગુરુ રામાનુંજાચાર્યના પાવન હસ્તે કરવામાં આવ્યું હતું. સમયના વહેણ સાથે આ મંદિરની વ્યવસ્થા જાળવવા માટે વર્ષ 1820 માં પુલકદાસજી મહારાજે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે એક ટ્રસ્ટની રચના કરી હતી. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે પુરાતત્વ વિભાગ દ્વારા 'હેરિટેજ' યાદીમાં સામેલ છે, જે તેની પ્રાચીનતા અને સ્થાપત્ય કલાનું મહત્વ દર્શાવે છે.

જીર્ણોદ્ધાર અને આગામી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પંકજભાઈ શાહ, વીરેન્દ્રભાઈ નાણાવટી અને અન્ય સભ્યોના અથાગ પ્રયત્નોથી આ મંદિરનું રિસ્ટોરેશન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જીર્ણોદ્ધાર વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, મંદિરના મૂળ હેરિટેજ લુકમાં કોઈ ફેરફાર ન થાય. આ ભવ્ય પ્રસંગને વધાવવા માટે આગામી 30 એપ્રિલ અને 1 મે એમ બે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દ્વારકા શારદાપીઠના જગતગુરુ સ્વામી સદાનન્દજી મહારાજ આશીર્વચન પાઠવશે અને સાંસદ નરહરિ અમીન સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો વિશેષ હાજરી આપશે.

મંદિર દ્વારા થતી ધાર્મિક અને સામાજિક સેવાઓ

આ રામજી મંદિર માત્ર પૂજા-અર્ચનાનું સ્થળ નથી, પરંતુ સામાજિક સેવાનું ધામ પણ છે. મંદિરમાં ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની અત્યંત અલૌકિક મૂર્તિઓ બિરાજમાન છે. દરરોજ સવારે અને સાંજે 7:00 વાગ્યે આરતી અને પ્રસાદ વિતરણ થાય છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં રામાયણ અને ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત જન્માષ્ટમી, રામનવમી, ધનુર માસમાં ખીચડા વિતરણ અને હિંડોળા દર્શન જેવા ઉત્સવો ભવ્ય રીતે ઉજવાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ ટ્રસ્ટ સક્રિય છે અને દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરે છે. ભૂકંપ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયે પણ મંદિર ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહીને સેવા પૂરી પાડે છે.

મિલકત વિવાદ પર ટ્રસ્ટનું મહત્વનું નિવેદન

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરની માલિકીની મિલકત (વાડી) બાબતે ચાલી રહેલા વિવાદ પર ટ્રસ્ટી પંકજભાઈ શાહે આર્ટિકલ દ્વારા સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આ મિલકત સંપૂર્ણપણે રામજી મંદિર ટ્રસ્ટની માલિકીની છે અને તે અંગેના તમામ કાયદેસરના દસ્તાવેજો ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે. લુહાર જ્ઞાતિના અમુક લોકો દ્વારા કરવામાં આવતા દાવાઓ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં આ જગ્યા 99 વર્ષના ભાડાપટ્ટા (Lease) પર આપવામાં આવી હતી, જેનો અર્થ એ નથી કે માલિકી હક બદલાઈ જાય. જૂના ટ્રસ્ટીઓના સમયમાં જ્ઞાતિના લોકોએ પણ આ વાત સ્વીકારી હતી, પરંતુ હવે નવી પેઢીના કેટલાક લોકો ગેરમાર્ગે દોરાઈને વિવાદ ઉભો કરી રહ્યા છે.

ન્યાયિક પ્રક્રિયા અને સત્યની જીત

ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી, પરંતુ ટ્રસ્ટની મિલકતનું રક્ષણ કરવું એ તેમની કાયદેસરની જવાબદારી છે. હાલમાં કોર્ટમાં સ્ટે ઓર્ડરની જે વાત ચાલે છે, તેમાં પણ કોર્ટે ટ્રસ્ટની દલીલોને સાંભળી છે. પંકજભાઈએ જણાવ્યું કે, અમે શાંતિથી અને કાયદાના માર્ગે જ સત્ય સામે લાવવા માંગીએ છીએ. મિલકત પચાવી પાડવાના ઈરાદા સામે ટ્રસ્ટ મક્કમ છે. ટૂંક સમયમાં જ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ પુરાવાઓ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે, જેથી લોકોને સાચી હકીકતની જાણ થાય અને દૂધનું દૂધ તથા પાણીનું પાણી થઈ જાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now