અમદાવાદ: અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગત માર્ચ મહિનામાં બનેલી ચોંકાવનારી ઘટનામાં હવે મોટો વળાંક આવ્યો છે. પત્નીના અનૈતિક સંબંધો અને આર્થિક છેતરપિંડીથી કંટાળીને જીવન ટૂંકાવનાર દશરથભાઈના કેસમાં રાણીપ પોલીસે આખરે ફરાર પત્ની ભગવતીની ધરપકડ કરી લીધી છે. મૃતકે મરતા પહેલા બનાવેલા 6 મિનિટના વીડિયો અને બે પાનાની છેલ્લી ચીઠ્ઠીવે આધારે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનાએ પવિત્ર ગણાતા લગ્ન સંબંધો પર અનેક સવાલો ઉભા કર્યા છે, જ્યાં એક પત્નીના લાલચ અને આડા સંબંધોએ હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે.
'બાળકોની સામે જ પ્રેમીને ઘરે બોલાવતી હતી', મૃતકનો ગંભીર આક્ષેપ
દશરથભાઈએ અંતિમ પગલું ભરતા પહેલા બનાવેલા વીડિયોમાં પોતાની વ્યથા ઠાલવતા જે ખુલાસા કર્યા છે તે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તેમની પત્નીના અન્ય પુરુષો સાથે સંબંધો હતા, જેની જાણ તેમને મોબાઈલ કોલ ડિટેલ્સ (CDR) પરથી થઈ હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, પત્ની તેના બાળકોની હાજરીમાં જ પ્રેમીઓને બેડરૂમમાં બોલાવતી હતી અને બાળકોને બહાર હોલમાં ટીવી જોવા બેસાડી દેતી હતી. એટલું જ નહીં, તેણે બાળકોનું ભણતર પણ બગાડ્યું હતું અને એક વર્ષ સુધી સંતાનોને સ્કૂલે પણ મોકલ્યા નહોતા.
25 લાખ ખર્ચ્યા છતાં પત્નીએ છેતરપિંડી આચરી
વીડિયોમાં મૃતકે જણાવ્યું હતું કે, પત્નીના આડા સંબંધોની જાણ થયા પછી પણ તેમણે પરિવાર બચાવવા માટે સમાધાન કર્યું હતું. તેમણે અંદાજે 25 લાખ રૂપિયા ખર્ચીને પત્નીને સમજાવીને પાછી લાવ્યા હતા, પરંતુ તેના ભાઈઓ તેને ફરીથી લઈ ગયા હતા. પત્નીએ ઘરના દાગીના ગીરો મૂકીને પૈસા ઉડાવી દીધા હતા અને 25 લાખનો કોઈ હિસાબ આપ્યો નહોતો. પત્ની પોતે પણ વારંવાર ધમકી આપીને દશરથભાઈને માનસિક ટોર્ચર કરતી હતી, જેના કારણે તેઓ ગંભીર તણાવમાં આવી ગયા હતા.
ST સ્ટેન્ડ પરથી પોલીસના સકંજામાં આવી આરોપી પત્ની
ઘટના બાદ પત્ની ભગવતી ફરાર થઈ ગઈ હતી અને તેણે આગોતરા જામીન મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે, કોર્ટે જામીન ફગાવી દેતા તે નાસતી ફરતી હતી. રાણીપ પોલીસને બાતમી મળી હતી કે, ભગવતી અમદાવાદ એસ.ટી. સ્ટેન્ડ પર આવવાની છે, જેના આધારે વોચ ગોઠવીને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને ટેકનિકલ પુરાવા એકઠા કરવાની કામગીરી શરૂ કરી છે જેથી તેના અનૈતિક સંબંધો અને ગુનાહિત પ્રવૃત્તિઓના પુરાવા મેળવી શકાય.
પરિવારની ન્યાયની માંગ: 'અન્ય લોકોની પણ ધરપકડ કરો'
દશરથભાઈના પરિવારે આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ માત્ર પત્ની જ નહીં, પરંતુ વીડિયોમાં જેમના નામ લેવામાં આવ્યા છે તે મહેશ, લાસીબેન, ભીખાભાઈ અને સુરેખા પણ જવાબદાર છે. પરિવારની માંગ છે કે આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે તો જ દશરથભાઈને સાચો ન્યાય મળશે. હાલમાં પોલીસ પત્નીની પૂછપરછ કરી રહી છે અને ટૂંક સમયમાં અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે.





