અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણીમાં પરંપરાગત પ્રચાર સાથે હવે એક નવો ટ્રેન્ડ પણ ઝડપથી ઉભો થઈ રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ઓછા આર્થિક સ્રોત ધરાવતા ઉમેદવારો પ્રચાર માટે ઓનલાઇન માઇક્રો ક્રાઉડફંડિંગનો સહારો લઈ રહ્યા છે. ચાંદખેડા, મકતમપુરા, સરસપુર અને ગોમતીપુર જેવા વિસ્તારોમાં ઉમેદવારો તેમના સમર્થકો અને સામાન્ય નાગરિકો પાસેથી નાની-મોટી રકમ એકત્રિત કરી ચૂંટણી લડી રહ્યા છે.
આ પ્રયોગ ખાસ કરીને તે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે, જેઓ મોટી રાજકીય પાર્ટીઓની તુલનામાં મર્યાદિત સંસાધનો ધરાવે છે. ગોમતીપુરના અપક્ષ ઉમેદવાર આમીર પઠાણ માટે તેમના મિત્રો અને સમર્થકો આગળ આવ્યા છે. કોઈ કાર્યાલય માટે જગ્યા આપે છે, તો કોઈ નાસ્તા-પાણીનો ખર્ચ ઉઠાવે છે. આ રીતે સામૂહિક સહયોગથી પ્રચાર ચાલી રહ્યો છે.
અગાઉના ખર્ચ હિસાબ પર પ્રશ્નચિહ્ન
ચૂંટણીમાં ખર્ચ પારદર્શિતા મુદ્દે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 2021ની મ્યુનિસિપલ ચૂંટણીમાં જીતેલા 192 ઉમેદવારોમાંથી માત્ર 10 ટકા ઉમેદવારોએ જ પોતાના ખર્ચનો હિસાબ રજૂ કર્યો હતો. બીજી તરફ 50થી વધુ ડમી ઉમેદવારોએ નિયમ મુજબ ખર્ચ વિગતો જમા કરાવી નહોતી.
નિયમો મુજબ જો કોઈ ઉમેદવાર ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરે, તો તેને છ વર્ષ માટે અયોગ્ય ઠેરવવાની જોગવાઈ છે. તેમ છતાં, આ નિયમના અમલ અંગે પ્રશ્નો ઊભા થયા છે. હાલની પરિસ્થિતિમાં ક્રાઉડફંડિંગથી મળતા નાણાંની પારદર્શિતા અને તેની નોંધણી પણ મહત્વનો મુદ્દો બની શકે છે.
‘લોકોનો સહારો’ – ઉમેદવારોના અનુભવ
સરસપુર-રખિયાલ વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર કમલેશ કટારિયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષથી એક્ટિવિસ્ટ તરીકે કામ કરે છે અને ડેકોરેશનનો વ્યવસાય ધરાવે છે. મર્યાદિત આવકને કારણે મોટા સ્તરે પ્રચાર કરવો મુશ્કેલ બને છે. તેમણે જણાવ્યું કે મોટી પાર્ટીઓ સામે ટકી રહેવા માટે ફંડ જરૂરી હોવાથી ક્રાઉડફંડિંગનો રસ્તો અપનાવ્યો છે.
મકતમપુરાના કોંગ્રેસ ઉમેદવાર હિતેન્દ્ર પીઠડિયા હાલ સોશિયલ મેનેજમેન્ટમાં પીએચડી કરી રહ્યા છે. તેઓ 2014 થી સામાજિક કાર્યમાં જોડાયેલા છે અને આવકનો કોઈ સ્થિર સ્ત્રોત નથી. તેમના પરિવારનું ગુજરાન માતાપિતાના પેન્શન પર ચાલે છે. આવી સ્થિતિમાં ચૂંટણી લડવા માટે લોકોની નાણાકીય મદદ લેવી જરૂરી બની હોવાનું તેઓ કહે છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપાનો જોરદાર પ્રચાર : વડગામમાં DyCM હર્ષ સંઘવીની વિકાસ સંકલ્પ સભા
પ્રચાર માટે નાણાંની તંગી
ચાંદખેડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુબોધ કુમુદ પણ લોકો પાસેથી ફંડ એકત્રિત કરી રહ્યા છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે અને સેવા કેન્દ્ર ચલાવે છે, જ્યાં લોકોને મફત કાનૂની સલાહ આપવામાં આવે છે. તેઓ કહે છે કે પ્રચાર માટે પૂરતું ફંડ મળતું ન હોવાથી તેમને લોકો પાસે સહાય માંગવી પડી છે.
મકતમપુરા વોર્ડમાં AIMIM ના ઉમેદવાર રાકેશ મહેરિયા ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ભાડાના મકાનમાં રહે છે. મર્યાદિત આવક વચ્ચે તેઓએ લગભગ બે લાખ રૂપિયા સુધીનું ક્રાઉડફંડિંગ એકત્રિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. અત્યાર સુધીમાં માત્ર ત્રણ દિવસમાં જ તેઓએ રૂ.15,000થી વધુનું ભંડોળ એકત્રિત કર્યું છે, જે આ મોડલની અસરકારકતા દર્શાવે છે.
લોકશાહી અને ક્રાઉડફંડિંગ: નવી દિશા?
ચૂંટણીમાં ક્રાઉડફંડિંગનો ઉપયોગ ભારત માટે હજુ નવો છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં આ પ્રણાલી પહેલાથી જ લોકપ્રિય છે. આ મોડલમાં સામાન્ય નાગરિકો સીધા ઉમેદવારને સહાય કરી શકે છે, જેના કારણે રાજકારણમાં પારદર્શિતા અને જનસહભાગિતાનો વધારો થાય છે.
પરંતુ સાથે જ આ મોડલમાં પારદર્શિતા, હિસાબી વ્યવસ્થા અને કાયદાકીય પાલન ખૂબ જ જરૂરી બની જાય છે. ચૂંટણી પંચ માટે પણ આ એક નવી પડકારરૂપ પરિસ્થિતિ બની શકે છે, કારણ કે નાના-નાના દાનની ગણતરી અને ટ્રેકિંગ સુનિશ્ચિત કરવું સરળ નથી.
શું આગળ?
આ ચૂંટણીમાં ક્રાઉડફંડિંગનો પ્રયોગ કેટલો સફળ થાય છે તે આગામી પરિણામો પર આધાર રાખશે. જો આવા ઉમેદવારો સફળતા મેળવે છે, તો ભવિષ્યમાં આ મોડલ વધુ વ્યાપક બની શકે છે.
આ સાથે જ રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્ર માટે પણ આ એક સંકેત છે કે નાણાકીય સમાનતા અને પારદર્શિતા માટે નવી નીતિઓ અને નિયમો ઘડવાની જરૂર છે.






