Home Gujarat Ahmedabad Ahmedabad Heavy Rain Gurukul Driving Road Waterlogging Loss

અમદાવાદમાં ભારે વરસાદથી ગુરૂકુળ-ડ્રાઈવિંગ રોડ વિસ્તાર જળબંબાકાર : દુકાનોમાં પાણી ઘૂસતાં વેપારીઓને લાખોનું નુકસાન

Ahmedabad Heavy Rains
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2026, 11:34 AM IST

Ahmedabad Heavy Rains: અમદાવાદમાં ગુરુવારે પડેલા ભારેથી અતિભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારો સુધી સર્વત્ર જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ગુરૂકુળ, ડ્રાઈવિંગ રોડ, મેમનગર અને ભૂયંગદેવ વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ અનેક વિસ્તારોમાંથી પાણી ન ઓસરતાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક માર્ગો પર વાહનો અટવાઈ ગયા હતા. સ્કૂલો છૂટવાના સમયે વરસાદનું જોર વધતાં સ્કૂલ વાન અને અન્ય વાહનો પણ પાણીમાં ફસાઈ ગયા હતા. અનેક રહેણાંક સોસાયટીઓ અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ઘરવખરી બચાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી.

અમદાવાદમાં ભારે વરસાદનો પ્રકોપ: બોપલની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા : NDRF-SDRF અને સેનાની ટીમોએ હાથ ધરી બચાવ કામગીરી

ગુરૂકુળ અને ડ્રાઈવિંગ રોડ વિસ્તારમાં વેપારીઓને ભારે નુકસાન

શહેરના ગુરૂકુળ અને ડ્રાઈવિંગ રોડ વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર રહી હતી. ડ્રાઈવિંગ રોડ સ્થિત અવકાર સંકુલ સહિત અનેક વેપારી સંકુલોમાં વરસાદી પાણી ઘૂસતાં દુકાનોમાં રાખેલો માલસામાન બગડ્યો હતો. અનેક વેપારીઓએ લાખો રૂપિયાનું નુકસાન થયાનો દાવો કર્યો છે. વરસાદના 24 કલાક બાદ પણ ઘણી દુકાનોમાં પાણી યથાવત રહેતાં વેપારીઓ માટે વ્યવસાય ફરી શરૂ કરવો મુશ્કેલ બન્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર પાણી કાઢવા માટે ખાનગી રીતે પંપ ગોઠવવાની ફરજ પડી છે, જ્યારે તંત્ર તરફથી પૂરતી મદદ મળી નથી. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે દર વર્ષે ચોમાસામાં આ જ સમસ્યા ઉભી થાય છે, છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી.

ગટરના નિકાલની વ્યવસ્થા પર ઉઠ્યા પ્રશ્નો

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નવા માર્ગોના નિર્માણ બાદ પણ વરસાદી પાણી અને ગટરના નિકાલ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી. પરિણામે થોડા કલાકના ભારે વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જાય છે અને પાણી સીધું રહેણાંક વિસ્તારો તથા દુકાનોમાં પ્રવેશી જાય છે. વેપારીઓ અને રહેવાસીઓએ પ્રિ-મોન્સૂન કામગીરી અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે દર વર્ષે ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહે છે. છેલ્લા ત્રણ દાયકાથી વિસ્તારની જળભરાવની સમસ્યા યથાવત હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી.

સાપુતારા બોર્ડર પર ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોવાયો : ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે આંતરરાજ્ય S.T. બસ સેવા ઠપ્પ

મેમનગરમાં દિવાલ તૂટતાં પાણી સનસેટ રો હાઉસમાં ઘૂસ્યા

ભારે વરસાદની અસર મેમનગર વિસ્તારમાં પણ ગંભીર રહી હતી. આમ્રકુંજ સોસાયટીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સોસાયટીની એક દિવાલ તૂટી પડી હતી. દિવાલ તૂટતાં પાણીનો જોરદાર પ્રવાહ નજીક આવેલી સનસેટ રો હાઉસ સોસાયટીમાં ઘૂસી ગયો હતો. રહેવાસીઓના જણાવ્યા અનુસાર ઘરોમાં એટલું પાણી ભરાઈ ગયું હતું કે જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરની અંદર રહેલો ફર્નિચર, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘરવખરીને નુકસાન પહોંચ્યું હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું હતું.

ઊંચા રોડના કારણે વધી મુશ્કેલી

સનસેટ રો હાઉસના રહેવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બનાવવામાં આવેલા નવા રસ્તાઓ આસપાસની સોસાયટીઓ કરતાં વધુ ઊંચા બનાવવામાં આવ્યા છે. જેના કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ બદલાઈ ગયો છે અને પાણી સીધું સોસાયટી તરફ વળે છે. બીજી તરફ આમ્રકુંજ સોસાયટીની દિવાલ તૂટતાં ત્યાંનું પાણી પણ સનસેટ રો હાઉસમાં ઘૂસી જતાં સ્થિતિ વધુ વિકટ બની હતી. વરસાદ બંધ થયા બાદ પણ બંને સોસાયટીઓમાં પાણી ભરાયેલા હોવાથી રહેવાસીઓ માટે દૈનિક જીવન સામાન્ય બન્યું નથી. અનેક સ્થળોએ હજુ પણ પાણી બહાર કાઢવા માટે પંપનો સહારો લેવાઈ રહ્યો છે.

ભારે વરસાદ વચ્ચે એક્શનમાં CM ભૂપેન્દ્ર પટેલ : SEOC ખાતે NDRF, SDRF અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક

કાયમી ઉકેલની માંગ

સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ મહાનગરપાલિકા પાસે વરસાદી પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવા, ગટર લાઈનોની ક્ષમતા વધારવા અને જળભરાવગ્રસ્ત વિસ્તારો માટે કાયમી આયોજન કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં સમાન સમસ્યા સર્જાય છે અને માત્ર તાત્કાલિક કામગીરીથી પ્રશ્નનો ઉકેલ શક્ય નથી. યોગ્ય શહેરી આયોજન અને અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિને ટાળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now