Ahmedabad Heavy Rains: અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ઐતિહાસિક વરસાદ બાદ શહેરમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના જણાવ્યા અનુસાર બોપલ વિસ્તારમાં માત્ર 24 કલાકમાં અંદાજે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 519 મિમી વરસાદ નોંધાતા તે શહેરનો બીજા ક્રમનો સૌથી વધુ વરસાદી વિસ્તાર રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ 20 વર્ષમાં આ પ્રકારની અસાધારણ પરિસ્થિતિ પ્રથમવાર સર્જાઈ છે.
શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. શંકર ભુવનની ચાલીમાંથી અંદાજે 200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે છારાનગર વિસ્તારમાં ફાયર વિભાગની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
107 પમ્પથી પાણી નિકાલ, 9 વધારાના પમ્પ ભાડે લેવાયા
શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોમાં હાલ 107 પમ્પ દ્વારા સતત પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે. વધારાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને AMC દ્વારા પોતાના ઉપલબ્ધ સાધનો ઉપરાંત 9 પમ્પ ભાડે લેવામાં આવ્યા છે. પાલડી, બહેરામપુરા, એરપોર્ટ વિસ્તાર સહિત અનેક સ્થળોએ પાણી ઉતારવાની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે. AMCના જણાવ્યા મુજબ બોપલ અને ઘુમા વિસ્તારમાં મોટા ભાગનું પાણી ઓસરી રહ્યું છે. જોકે બોપલના ઇસ્કોન ગ્રીન વિસ્તાર પાસે રકાબી જેવી ઢાળ ધરાવતી ભૌગોલિક સ્થિતિને કારણે વરસાદી પાણી ઝડપથી એકત્ર થઈ જતું હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હતી.
ફરિયાદોનો ધસારો, ઝાડ પડવાની 173 ઘટનાઓ
ભારે વરસાદને પગલે શહેરમાં રોડ તૂટવા, સોસાયટીઓમાં પાણી ભરાવા અને અન્ય નાગરિક સમસ્યાઓ અંગે મોટી સંખ્યામાં ફરિયાદો મળી છે. અત્યાર સુધી કુલ 126 મહત્વપૂર્ણ ફરિયાદોમાંથી 79 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની 47 ફરિયાદો પર કામગીરી ચાલુ છે. તે ઉપરાંત શહેરમાં 173 સ્થળોએ ઝાડ પડવાની ફરિયાદો નોંધાઈ હતી, જેના નિવારણ માટે AMCની ટીમો તેમજ સંબંધિત વિભાગો સતત કામગીરી કરી રહ્યા છે. જાહેર પરિવહન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે AMTSની સેવાઓ પણ તબક્કાવાર કાર્યરત કરવામાં આવી રહી છે.
આરોગ્ય અને સફાઈ વિભાગની વિશેષ કામગીરી
વરસાદ બાદ રોગચાળો ફેલાવાનો ખતરો ટાળવા આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનમાં વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 76 હજાર ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરના 576 સ્થળોએ સફાઈ અભિયાન ચલાવી અંદાજે 270 મેટ્રિક ટન કચરો અને ગાદ દૂર કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
વેસ્ટર્ન ટ્રંક લાઇનમાં સુધારાથી સ્થિતિમાં રાહત
અધિકારીઓએ જણાવ્યું કે ચાંદખેડાથી ફતેહવાડી સુધીની વેસ્ટર્ન ટ્રંક લાઇનને અગાઉ 1600 મિમી ક્ષમતાથી વધારી 2400 મિમી કરવામાં આવી છે. જોકે ગઈકાલે ભારે વરસાદ દરમિયાન ટ્રંક લાઇનમાં પાણીનો પ્રવાહ યોગ્ય રીતે ન નીકળી શકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આજે ટ્રંક લાઇનની કામગીરી સામાન્ય બનતા પાણીનો નિકાલ ઝડપી બન્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ઉતરી ગયું છે.
મુખ્યમંત્રીએ બોપલની મુલાકાત લીધી
રાજ્યના મુખ્યમંત્રીએ બોપલ વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને રાહત અને પુનઃસ્થાપન કામગીરી વધુ ઝડપી બનાવવા તેમજ અસરગ્રસ્ત નાગરિકોને જરૂરી તમામ સહાય પૂરી પાડવા સૂચના આપી હતી. શહેરમાં હાલ ચાંદલોડિયાનો અંડરપાસ સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય તમામ અંડરપાસ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે.
આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી, શાળાઓમાં રજા
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે આવતીકાલે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ (Work From Home) કરવાની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેથી રસ્તાઓ પર ભાર ઓછો રહે અને રાહત કામગીરીમાં અવરોધ ન આવે. AMC, પોલીસ, ફાયર વિભાગ અને અન્ય તમામ એજન્સીઓ સંયુક્ત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.






