Home Gujarat Baps Relief Work Valsad South Gujarat Flood

વલસાડમાં પૂરગ્રસ્તોની વાહરે BAPS સ્વામિનારાયણ સંસ્થા : સંતો અને સ્વયંસેવકો દ્વારા ભોજન તથા રાહત સામગ્રીનું વિતરણ શરૂ

BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકો દ્વારા રાહત સામગ્રી અને ભોજનનું વિતરણ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 24, 2026, 02:11 PM IST

Valsad News: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અતિભારે વરસાદને કારણે વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદના કારણે નદીઓ અને ખાડીઓ છલકાઈ જતા અનેક ગામો અને શહેરી વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. હજારો પરિવારોને પોતાના ઘરો છોડવાની ફરજ પડી છે, જ્યારે અનેક લોકો હજુ પણ વરસાદ અને પૂરની અસરનો સામનો કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં વિવિધ સરકારી એજન્સીઓ સાથે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ રાહત કામગીરીમાં જોડાઈ છે. આ સંજોગોમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પણ અસરગ્રસ્ત લોકોની મદદ માટે મેદાનમાં ઉતરી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPSના સંતો અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો વલસાડ અને આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત અને સેવા કાર્યમાં સક્રિય બન્યા છે. અસરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક સહાય પહોંચે તે માટે વિવિધ સ્થળોએ આયોજનબદ્ધ રીતે સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.

ગરમ ભોજન અને આવશ્યક સામગ્રીનું વિતરણ

BAPSના સંતો અને સ્વયંસેવકો દ્વારા પૂરથી પ્રભાવિત પરિવારો માટે ગરમ ભોજન તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાહત કેમ્પોમાં તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને તૈયાર ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પૂરના કારણે પોતાના ઘરોમાં રસોઈ બનાવી શકતા ન હોય અથવા સ્થળાંતર કરાયેલા પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે સતત ભોજન સેવા ચાલુ રાખવામાં આવી છે. સંસ્થાના સ્વયંસેવકો વિવિધ ટીમોમાં વહેંચાઈને જરૂરિયાત મુજબ અલગ-અલગ વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે.

માનવસેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કુદરતી આપત્તિના સમયમાં માનવસેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. વલસાડમાં સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિમાં પણ સંતો અને સ્વયંસેવકો સતત મેદાનમાં રહી અસરગ્રસ્ત લોકો સુધી ઝડપથી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહત કામગીરી દરમિયાન માત્ર ભોજન જ નહીં, પરંતુ જરૂરી જીવનોપયોગી સામગ્રી અને અન્ય આવશ્યક સહાય પણ જરૂરિયાત મુજબ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જ્યાં વધુ જરૂરિયાત છે તેવા વિસ્તારોમાં પ્રાથમિકતાના ધોરણે મદદ પહોંચાડવામાં આવી રહી છે.

પૂરગ્રસ્ત પરિવારોને હિંમત અને સહારો

રાહત કામગીરી દરમિયાન BAPSના સંતો અસરગ્રસ્ત પરિવારોને મળીને તેમને હિંમત આપી રહ્યા છે અને મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાનો સંદેશ આપી રહ્યા છે. કુદરતી આપત્તિમાંથી ઝડપથી બહાર આવવા માટે લોકોમાં આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા પણ સંસ્થાની આ સેવાકીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. અનેક વિસ્તારોમાં સ્વયંસેવકો પાણી ભરાયેલા રસ્તાઓ વચ્ચે પહોંચીને જરૂરિયાતમંદોને સહાય પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો:
નવસારીમાં પૂરનો કહેર: સરીખુરદ ગામમાં NDRFનું મેગા રેસ્ક્યુ ઓપરેશન : 120 લોકોનું બચાવ, 43નું સ્થળાંતર; બે મૃતદેહ મળી આવ્યા

આપત્તિના સમયમાં સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ

ગુજરાતમાં પૂર, ભૂકંપ, વાવાઝોડા અને અન્ય કુદરતી આપત્તિના સમયમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અગાઉ પણ વિવિધ પ્રકારની રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડમાં ચાલી રહેલી હાલની સેવા પણ એ જ પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સંસ્થાએ જણાવ્યું છે કે જ્યાં સુધી અસરગ્રસ્ત લોકોને જરૂર રહેશે ત્યાં સુધી સંતો અને સ્વયંસેવકો સેવા કાર્યમાં જોડાયેલા રહેશે. સંસ્થાએ ભારે વરસાદથી પ્રભાવિત તમામ પરિવારોના સુખાકારી અને ઝડપથી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થાય તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now