Home Gujarat Ahmedabad Ahmedabad Cyber Crime Instagram Blackmail Gang

અમદાવાદ સાયબર ક્રાઇમનો ભાંડાફોડ : ‘જ્યોતિષ ગુરૂમા’ ના નામે બ્લેકમેઇલિંગ ગેંગ ઝડપાઇ

અમદાવાદ સાયબર ક્રાઇમે પકડેલો આરોપી
Published by: Chintan Chavda
Last Updated: May 04, 2026, 09:35 AM IST

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારો ગુનો ઉકેલી કાઢ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર ‘જ્યોતિષ’ અને ‘કિન્નર ગુરૂમા’ તરીકે ખોટી ઓળખ આપી લોકોને છેતરતા ગેંગનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ, આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર “astrologer_pooja_kinnar_maa” સહિત અનેક ફેક આઈડી બનાવી લોકોને પ્રેમ સંબંધ, લગ્નજીવન અને વ્યક્તિગત સમસ્યાઓના સમાધાનના નામે સંપર્ક કરતા હતા. તેઓ લોકોને ખાસ પૂજા અને વિધિના બહાને આકર્ષતા અને તેમની પાસેથી વ્યક્તિગત માહિતી અને ફોટા મેળવેતા હતા.

બ્લેકમેઇલિંગનો ગોઠવણબદ્ધ મોડસ ઓપરંડી

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પહેલા ભોગ બનનારનો વિશ્વાસ જીતતા હતા. ત્યારબાદ તેઓ વિધિના બહાને ફોટા મંગાવતા અને તેને એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપતા હતા. વધુમાં, કેટલાક કેસોમાં આરોપીઓ વીડિયો કોલ દ્વારા ભોગ બનનારને અશ્લીલ હરકતો કરવા મજબૂર કરતા અને તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તેને બ્લેકમેઇલ કરતા હતા.

આ રીતે આરોપીઓએ કુલ રૂ. 1,43,951 જેટલી રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા વસૂલ કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં આ ગેંગના એકાઉન્ટમાં આશરે 60 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાની શંકા છે.

રાજસ્થાનથી આરોપીની ધરપકડ

સાયબર ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરીને રાજસ્થાનના બિકાનેરમાંથી એક આરોપી રજનીશ ગોવિંદલાલ ભગતની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

અન્ય બે આરોપીઓ - વિકાસ પોખરાજ ભગત અને રવિ સત્યનારાયણ ભગત - હજુ સુધી પોલીસ પકડથી દૂર છે અને તેમની શોધખોળ ચાલુ છે. પોલીસ માને છે કે આ ગેંગ અલગ-અલગ નામ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા દેશભરમાં છેતરપીંડી ચલાવતી હતી.

અનેક ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ

મળતી માહિતી મુજબ, આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અનેક નકલી એકાઉન્ટ બનાવી લોકો સાથે સંપર્ક સાધ્યો હતો. તેમાં “astrotalk_with_bheravlal”, “kinnargurumatasushilaji”, “acharya_vikasshastri” સહિતના એકાઉન્ટનો સમાવેશ થાય છે.

આ એકાઉન્ટ દ્વારા તેઓ નિયમિત પોસ્ટ મૂકી લોકોને આકર્ષતા અને પછી તેમને ખાનગી રીતે સંપર્ક કરીને છેતરપીંડીનો જાળ બિછાવતા હતા.

આ પણ વાંચો: નિકોલની હોસ્પિટલમાં અનોખી ચોરી! : સ્વીપરે પહેલા દિવસે જ 'ચોખ્ખો કર્યો મેડિકલ સ્ટોર'! CCTVમાં કેદ ઘટના બાદ પોલીસ તપાસ તેજ

પોલીસની ચેતવણી અને તપાસ ચાલુ

સાયબર ક્રાઇમ બ્રાંચે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી અથવા ફોટા શેર ન કરે. ખાસ કરીને જ્યોતિષ, તંત્ર-મંત્ર કે વિધિના નામે પૈસા માગતા લોકો સામે સાવચેત રહેવું જરૂરી છે.

હાલમાં પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓ તેમજ ભોગ બનનારની સંખ્યા વિશે માહિતી એકત્રિત કરી રહી છે. પોલીસ માને છે કે આ ગેંગે અનેક લોકોને ટાર્ગેટ કર્યા હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now