Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની સ્વચ્છતા અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં શરૂ થઈ રહેલા 'સ્વચ્છતા સર્વેક્ષણ' અંતર્ગત હવે જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે રહેણાંક વિસ્તારોમાં આડેધડ ફીડિંગ કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં ૩૦૦ જેટલા ચોક્કસ સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે અને નાગરિકો માત્ર આ નિયત કરેલા સ્થળો પર જ શ્વાન કે પક્ષીઓને ખવડાવી શકશે.
ક્યાં કેટલા સ્પોટ નક્કી કરાયા?
તંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, પક્ષીઓ અને શ્વાન માટે અલગ-અલગ જગ્યાઓ ફાળવવામાં આવી છે. જેમાં શ્વાન માટે 151 સ્પોટ અને પક્ષીઓ માટે 145 સ્પોટ નક્કી કરાયા છે. અગાઉ શહેરના 48 વોર્ડમાં રખડતા શ્વાન માટે 129 સ્પોટ નક્કી હતા, પરંતુ ડોગ લવર્સની માંગણીને ધ્યાનમાં રાખીને તેમાં વધુ 125 સ્પોટનો ઉમેરો કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સીએનસીડી (CNCD) વિભાગના જણાવ્યા અનુસાર, આ જાહેર કરાયેલા સ્પોટ પર સ્પેશિયલ 'ડોગ ફીડિંગ'ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
રિવરફ્રન્ટ પર બર્ડ ફીડિંગ સ્પોટ કેમ ઘટાડાયા?
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર રસ્તા પર પક્ષીઓને ચણ નાંખવાના સ્પોટનું કડક મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને તેની સંખ્યામાં મોટો ઘટાડો કરાયો છે. સુપ્રિમ કોર્ટ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈનને આધારે લેવાયેલા આ નિર્ણય મુજબ, હાલમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં માત્ર 5 સ્પોટ પર જ બર્ડ ફીડિંગની મંજૂરી આપવામાં આવી છે.
આ નિયમ પાછળનું શું છે મુખ્ય કારણ?
આડેધડ ફીડિંગ કરાવવાને કારણે શહેરમાં બે મુખ્ય સમસ્યાઓ સર્જાતી હતી. પ્રથમ, જાહેર સ્થળો, ફૂટપાથ અને રસ્તાઓ પર ખોરાક વેરાવવાથી સ્વચ્છતા જોખમાતી હતી. બીજું, રહેણાંક વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર આડેધડ ખવડાવવાના કારણે શ્વાનો અંદરોઅંદર લડતા હતા, જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓની પાછળ દોડતા અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હતો.
ડોગ ફીડિંગ માટેના મુખ્ય સ્પોટ કયા છે?
નાગરિકોની સુવિધા માટે AMC દ્વારા મોટાભાગે સ્મશાનગૃહ, પમ્પિંગ સ્ટેશન અને ધાર્મિક સ્થળોની આસપાસની જગ્યાઓ નક્કી કરાઈ છે:






