Home Gujarat Ahmedabad Ahmedabad Aap Manifesto Local Election 2026

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી : AAP નો મેનિફેસ્ટો જાહેર, ‘વૈશ્વિક શહેર’ બનાવવાની ગેરંટી

મેનિફેસ્ટો લઈને ઉભેલા આપના કાર્યકર્તાઓ
Published by: Chintan Chavda
Last Updated: Apr 18, 2026, 08:48 AM IST

ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચે જંગ જામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ પોતાનો મહત્વાકાંક્ષી મેનિફેસ્ટો જાહેર કરીને ચૂંટણીના મેદાનમાં મોટો દાવ ખેલ્યો છે. ‘વૈશ્વિક સુવિધાઓ ધરાવતું મોડેલ શહેર’ બનાવવાની સંકલ્પના સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં મધ્યમ અને ગરીબ વર્ગના મતદારોને રીઝવવા માટે અનેક લોકલક્ષી વચનોની લ્હાણી કરવામાં આવી છે.

નેતૃત્વની ઉપસ્થિતિમાં બ્લુ-પ્રિન્ટ રજૂ કરાઈ

અમદાવાદમાં આયોજિત એક ભવ્ય પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય અને મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ડો. જ્વેલ વસેરાએ સંયુક્તપણે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ પ્રસંગે નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માત્ર કાગળ પરના વચનો નથી પરંતુ આગામી પાંચ વર્ષમાં અમદાવાદનો કયા પ્રકારે સર્વાંગી વિકાસ કરવો તેનો સંપૂર્ણ ‘રોડમેપ’ છે. પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હી અને પંજાબના શાસન મોડેલની ઝલક હવે અમદાવાદમાં પણ જોવા મળશે.

વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિવરફ્રન્ટ વિકાસ

મેનિફેસ્ટોમાં સૌથી મોટો મુદ્દો અમદાવાદને ‘ગ્લોબલ સ્ટાન્ડર્ડ’ શહેર બનાવવાનો છે. પાર્ટીના આયોજન મુજબ સાબરમતી નદીના બંને કાંઠે રહેતા નાગરિકો માટે સમાન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અને આગામી આયોજનમાં વધુ હરિયાળી, પર્યટન સ્થળો અને જનસુવિધાના કેન્દ્રો વિકસાવવાની વાત કહેવામાં આવી છે. શહેરના પ્રદૂષણ સ્તરને ઘટાડવા માટે ‘ગ્રીન બેલ્ટ’ બનાવવાની અને ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાની ખાતરી આપવામાં આવી છે.

ભ્રષ્ટાચારમુક્ત શાસન અને ટેક્સનું વળતર

AAP એ હંમેશા ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં ચાલતી ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી કામગીરીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનું વચન આપવામાં આવ્યું છે. "જનતાનો ટેક્સ, જનતાની સુવિધા માટે" ના નારા સાથે દરેક પ્રોજેક્ટનો ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કરવાની ખાતરી અપાઈ છે. પીવાના શુદ્ધ પાણીની સમસ્યા, ડ્રેનેજ લાઈનોનું આધુનિકીકરણ અને ખખડધજ રસ્તાઓનું કાયમી નિરાકરણ એ પાર્ટીની ટોચની અગ્રતા રહેશે.

આરોગ્ય અને શિક્ષણમાં ક્રાંતિકારી ફેરફારો

શિક્ષણ અને આરોગ્ય એ AAP ની ઓળખ છે. મેનિફેસ્ટો મુજબ:

  • આરોગ્ય: શહેરમાં ‘મોહલ્લા ક્લિનિક’ ની તર્જ પર આરોગ્ય કેન્દ્રો ખુલશે. લગભગ 5 લાખ નાગરિકોને વિનામૂલ્યે અથવા રાહત દરે શ્રેષ્ઠ સારવાર આપવાની યોજના છે. સરકારી હોસ્પિટલોમાં વર્લ્ડ ક્લાસ મશીનરી અને નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવશે.

  • શિક્ષણ: મ્યુનિસિપલ શાળાઓને પ્રાઈવેટ સ્કૂલ જેવી સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ખાસ કરીને શ્રમિક અને હિન્દી ભાષી વિસ્તારોમાં નવી હિન્દી માધ્યમની શાળાઓ અને ‘અનુપમ શાળાઓ’ સ્થાપવામાં આવશે, જેથી દરેક બાળકને સમાન શિક્ષણની તક મળે.

પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક વ્યવસ્થાપન

અમદાવાદમાં પાર્કિંગ એ માથાના દુખાવા સમાન છે. AAP એ વચન આપ્યું છે કે તેઓ સત્તામાં આવશે તો શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ‘મલ્ટી લેવલ પાર્કિંગ’ ની સુવિધા ઉભી કરશે. નોંધપાત્ર વાત એ છે કે, સામાન્ય જનતાને આર્થિક બોજમાંથી મુક્ત કરવા માટે ‘પે એન્ડ પાર્ક’ સિસ્ટમ નાબૂદ કરી મફત પાર્કિંગની સુવિધા આપવાની મહત્વકાંક્ષી જાહેરાત કરી છે. કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ્સ (જેમ કે પીરાણા) ના કાયમી ઉકેલ માટે આધુનિક વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટની ક્ષમતા વધારવાની વાત કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ માટે કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'! | સ્થાનિક ચૂંટણી માટે કોંગ્રેસે બહાર પાડ્યો મેનિફેસ્ટો, જાણો શું છે વાયદા | Offbeat Stories

રોજગાર અને મહિલા સુરક્ષા

શહેરના બેરોજગાર યુવાનો માટે મ્યુનિસિપલ લેવલે ભરતી મેળાઓ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો શરૂ કરવામાં આવશે. મહિલાઓને સુરક્ષા અને સ્વાવલંબન આપવા માટે ફ્રી વોકેશનલ ટ્રેનિંગ અને રાત્રિના સમયે સુરક્ષિત પરિવહન વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now