રાજકોટ: રંગીલા રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં ઐતિહાસિક ડિમોલિશન પૂર્ણ કર્યા બાદ હવે તંત્રનું બુલડોઝર લક્ષ્મીનગર અને ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરી વળ્યું છે. સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી અંદાજે પાંચ એકર જેટલી કિંમતી રેલવેની જમીન પર વર્ષોથી જામી ગયેલા દબાણોને દૂર કરવા માટે રેલવે વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આશરે 350થી વધુ ઝૂંપડાઓ અને કાચા-પાકા બાંધકામોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરાતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ કામગીરી દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું હતું જ્યારે કેટલાક સ્થાનિક રહીશોએ તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકો અને પોલીસ તેમજ રેલવે તંત્ર વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, સ્થિતિ વણસે નહીં તે માટે માલવિયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને આરપીએફ સહિતના 400થી વધુ જવાનોએ કિલ્લેબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. રેલવે વિભાગ દ્વારા અગાઉ અનેકવાર નોટિસ આપ્યા બાદ આખરે આ કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભક્તિનગર રેલવે સ્ટેશનના આધુનિકીકરણનો માર્ગ મોકળો
રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભક્તિનગર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ અને આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે રેલવેની માલિકીની પાંચ એકર જમીન પર થયેલા દબાણો મોટો અવરોધ હતા. અગાઉ 11મી ફેબ્રુઆરીએ અંતિમ નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતા આજે તંત્રએ જેસીબી અને શ્રમિકોની મદદથી ડિમોલિશન શરૂ કર્યું છે. આ કામગીરીથી વર્ષો જૂના દબાણો દૂર થશે અને રેલવેના વિકાસ કાર્યોને વેગ મળશે.
જંગલેશ્વરમાં થયેલું ‘મહા-ડિમોલિશન’ હજુ પણ ચર્ચામાં
રાજકોટના ઈતિહાસમાં આજી નદીના કિનારે જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલું ‘મહા-ડિમોલિશન’ ઓપરેશન આજે પણ ચર્ચાના કેન્દ્રમાં છે. આ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા આશરે 87 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ગેરકાયદેસર દબાણોમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. આ ઓપરેશનની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમાં 64 જેસીબી, 7 હિટાચી મશીન અને 1,450થી વધુ શ્રમિકોની મહાકાય ફોજ કામે લગાડવામાં આવી હતી.
સુરક્ષાના દૃષ્ટિકોણથી આ આખી કામગીરી અત્યંત પડકારજનક હતી, જેને પહોંચી વળવા માટે 2,500 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને 25 ડ્રોન કેમેરાની મદદથી આખા વિસ્તારનું સતત આકાશમાંથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહી દરમિયાન 1,026થી વધુ કાચા-પાકા મકાનો અને જંગલેશ્વરની કુખ્યાત મુરઘા ગેંગના સાગરિતો દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર કારખાનાઓ પણ જમીનદોસ્ત કરી દેવાયા હતા. મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ પોતે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ તૈયાર કરાવીને આ સમગ્ર કામગીરીનું પળેપળનું નિરીક્ષણ કર્યું હતું, જેના કારણે આટલું મોટું ઓપરેશન કોઈપણ અનિચ્છનીય બનાવ વગર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
અસરગ્રસ્તો માટે સરકારની આવાસ યોજના
તંત્ર દ્વારા માત્ર દબાણો જ દૂર કરવામાં નથી આવી રહ્યા, પરંતુ અસરગ્રસ્તોના પુનઃવસન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જંગલેશ્વરના ડિમોલિશનથી અસરગ્રસ્ત થયેલા લોકોને નવા બની રહેલા 3,000 આવાસોમાં પ્રથમ અગ્રતા (પ્રાયોરિટી) આપવામાં આવશે. આજી નદીના પટમાં થયેલા દબાણો દૂર થવાથી હવે ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યામાંથી પણ રાજકોટવાસીઓને મુક્તિ મળશે તેવું તંત્રનું માનવું છે.




















