New Zealand makes big change for T20 World Cup : ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલ્ને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગયો છે. તેમણે SA20 લીગ દરમિયાન આ ઈજા થઈ હતી. ગયા રવિવારે MI કેપ ટાઉન સામે સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ માટે તેમની પહેલી ઓવર દરમિયાન એડમ મિલ્ને ઈજાગ્રસ્ત થયો હતો. સ્કેનથી હેમસ્ટ્રિંગમાં ગંભીર ખેંચાણની પુષ્ટિ થઈ હતી, જેના કારણે એડમ મિલ્ને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
એડમ મિલ્ને બહાર થતાં ન્યુઝીલેન્ડના હેડ કોચએ શું કહ્યું?
એડમ મિલ્નેએ SA20 2025-26 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને ટુર્નામેન્ટમાં 16.27 ની એવરેજ અને 7.61 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડના હેડ કોચ રોબ વોલ્ટરે કહ્યું, "આપણે બધા એડમ મિલ્ને માટે ખૂબ જ નિરાશ છીએ. તેને આ ટુર્નામેન્ટની તૈયારી માટે ખૂબ જ સખત મહેનત કરી હતી અને ઇસ્ટર્ન કેપ સનરાઇઝર્સ માટે તેના શ્રેષ્ઠ ફોર્મમાં પાછા ફરવા માંગતો હતો. આ તેના માટે ખૂબ જ કમનસીબ સમય છે અને અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીએ છીએ."
એડમ મિલ્નેના સ્થાન કોણ આવશે?
ફાસ્ટ બોલર કાયલ જેમિસનને એડમ મિલ્નેના સ્થાને ન્યૂઝીલેન્ડની વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 6 ફૂટ 8 ઇંચ ઊંચા કાયલ જેમિસનને ટ્રાવેલિંગ રિઝર્વમાંથી મુખ્ય ટીમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કાયલ જેમિસન હાલમાં ભારતના પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ ટીમ સાથે છે. 31 જાન્યુઆરી સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની પરવાનગી વગર ટીમમાં ફેરફાર કરી શકાય છે. તે પછી, કોઈપણ રિપ્લેસમેન્ટ માટે ICC ની મંજૂરીની જરૂર પડશે.
કોચે કાયલ જેમિસન વિશે શું કહ્યું?
રોબ વોલ્ટરએ કાયલ જેમિસન વિશે કહ્યું, "ભારતમાં કાયલ જેમિસન પહેલેથી જ અમારી સાથે છે, તે ખૂબ જ રાહતની વાત છે. તે અમારા પેસ બોલિંગ આક્રમણનો મુખ્ય ભાગ છે અને આ પ્રવાસમાં તેને શાનદાર શરૂઆત કરી છે. તે એક મહેનતુ ખેલાડી છે, અને તે જે અનુભવ લાવે છે તે વર્લ્ડ કપમાં અમારા માટે ખૂબ ઉપયોગી થશે."
વધુ એક ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડી
કાયલ જેમીસન હાલમાં પીઠની ઇજામાંથી પાછો ફર્યો છે. આ મહિનાની શરૂઆતમાં, કાયલ જેમીસનએ ભારત સામેની પ્રથમ ODI માં કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેને 41 રન આપીને 4 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન T20 વર્લ્ડ કપના પહેલા થોડોક સમય માટે રજા લઈ શકે છે. વધુમાં, ન્યૂઝીલેન્ડ ટુર્નામેન્ટ પહેલા તેમની ટીમમાં વધુ એક ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીનો ઉમેરો કરશે. કિવી ટીમ 8 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. તે પહેલાં, તેઓ 6 ફેબ્રુઆરીએ મુંબઈમાં USA સામે વોર્મ-અપ મેચ રમશે.
ટી20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની અપડેટેડ ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સીફર્ટ, ઈશ સોઢી અને કાયલ જેમસન.





















