Nal Se jal Yojana Scam : મહીસાગર જિલ્લામાં બહાર આવેલ મસમોટા 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમને વધુ એક મોટી સફળતા મળી છે. કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરોમાંથી વધુ બે આરોપી — અર્જુન દલપતભાઈ પાદરીયા અને લક્ષ્મણભાઈ મોહનભાઈ શર્માની ધરપકડ કરવામાં આવી છે. સરપંચ કમ કોન્ટ્રાક્ટર અર્જુન પાદરીયા સામે 78 લાખ 31 હજાર 712 રૂપિયા, જ્યારે કોન્ટ્રાક્ટર લક્ષ્મણ શર્મા સામે 52 લાખ 15 હજાર 330 રૂપિયાની રિકવરી બાકી હોવાનું સામે આવ્યું છે.
નળ સે જળ કૌભાંડ તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ
આ મામલે હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલા 22 જૂને બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સીઆઈડી ક્રાઇમની અત્યાર સુધીની કાર્યવાહી દરમિયાન મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓમાંથી 4 કર્મચારી અને કૌભાંડમાં સીધી સંડોવણી ધરાવતા કુલ 10 કોન્ટ્રાક્ટર, એમ મળીને અત્યાર સુધી 14 કૌભાંડીની ધરપકડ થઈ ચૂકી છે. ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહીથી ભયભીત કૌભાંડી ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
કૌભાંડીઓમાં ભારે ફફડાટ
આ કેસમાં અત્યારસુધી 16 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ તમામ 16ની અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે, જ્યારે અન્ય અરજીઓની સુનાવણી ચાલુ છે. વધુ તપાસમાં સીઆઈડી ક્રાઇમે તત્કાલીન સરપંચો તેમજ તલાટીઓની યાદી પણ મેળવી લીધી છે, જેમાંથી ઘણા પર શંકા વધુ ગાઢ બની રહી છે. કડાણા તાલુકાના શિયાળ ગામના સરપંચ સહિત કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરોની ધરપકડ થતા અન્ય કૌભાંડીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર કૌભાંડમાં ગામના સરપંચો અને તલાટીઓની મોટી સંડોવણી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.






