Gandhinagar News : ગાંધીનગરના લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વેગ આપવા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ. એલ. જાટ, રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તેમજ કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણીય અસંતુલન અને જમીનની સતત ઘટતી ફળદ્રુપતાને ધ્યાનમાં રાખતા હવે પ્રાકૃતિક ખેતી માત્ર એક વિકલ્પ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. તેમણે ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવીને ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ અને સુરક્ષિત પર્યાવરણનું નિર્માણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
વૈજ્ઞાનિક સંશોધન અને ખેડૂતોને તાલીમ પર ભાર
રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને વધુ અસરકારક બનાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિના પરિણામોનું વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવે અને ખેડૂતો સુધી તેની સાચી માહિતી પહોંચાડવામાં આવે તો વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવવા પ્રેરાશે. તેમણે કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને વધુ સક્રિય બની ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો, જેથી પ્રાકૃતિક ખેતીના લાભો ગામડાં સુધી અસરકારક રીતે પહોંચી શકે.
રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે વધુ સારું સંકલન સ્થાપીને પ્રાકૃતિક કૃષિ મિશનને વધુ વેગ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન, તાલીમ અને ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરાવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સતત વધારવામાં આવશે. બેઠકમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને વધુ સશક્ત બનાવવા, પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અભ્યાસને પ્રોત્સાહન આપવા તેમજ કૃષિ અને આરોગ્ય ક્ષેત્ર વચ્ચે વધુ સંકલન વધારવાના મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતો અપનાવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી
બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હાલમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તેના પરિણામે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોના ઉપયોગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે આ પરિવર્તન જમીનની ગુણવત્તા સુધારવાની સાથે ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં પણ મદદરૂપ બની રહ્યું છે.
પર્યાવરણ અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પગલું
બેઠકમાં ઉપસ્થિત નિષ્ણાતોએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર કૃષિ ઉત્પાદન સુધી મર્યાદિત નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ, પાણીના સ્ત્રોતોની જાળવણી અને માનવ સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. રસાયણમુક્ત ખેતીથી ઉત્પાદિત ખાદ્યપદાર્થો લોકોના આરોગ્ય માટે વધુ સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે જમીનની જૈવિક શક્તિ પણ લાંબા ગાળે જળવાઈ રહે છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 248મું અંગદાન : ત્રણ દર્દીઓને મળશે નવજીવન
પ્રાકૃતિક કૃષિ માટે રાજ્યવ્યાપી અભિયાનને મળશે વધુ વેગ
ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાકૃતિક ખેતીને વધુ લોકપ્રિય બનાવવા માટે જાગૃતિ અભિયાન, ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમો અને સંશોધન આધારિત મોડલ વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલે જણાવ્યું કે સરકાર, વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ખેડૂતોના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં દેશ માટે એક આદર્શ મોડલ બની શકે છે.






