Home Gujarat Accident While Flying A Kite In Amod Bharuch

ભરૂચમાં પતંગ ચગાવતા બાળક ચોથા માળેથી પડ્યું! : 10 વર્ષીય બાળક ગંભીર ઈજાગ્રસ્ત

ભરૂચમાં પતંગ ચગાવતા બાળક ચોથા માળેથી પડ્યું!
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 02:28 PM IST

Bharuch News : ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં પતંગ ચગાવતી વખતે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 10 વર્ષીય બાળક ચોથા માળેથી ત્રીજા માળે પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. આ ઘટના આમોદના મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, નાના તળાવ મારુવાસ વિસ્તારમાં રહેતા દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામનો બાળક પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે શોપિંગ સેન્ટરના ચોથા માળેથી ત્રીજા માળે પડી ગયો હતો. પડવાના કારણે બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ચોથા માળેથી 10 વર્ષીય બાળક પડ્યો

ઘટનાની જાણ થતાં જ મુખ્ય બજારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હાજર લોકોએ તાત્કાલિક બાળકને બાઈક પર આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. બાળકના માથાના ભાગે ખૂબ જ મોટી ઈજાઓ હોવાથી તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સમયસર સારવાર મળતાં બાળકનો આબાદ બચાવ થયો હતો. તબીબોએ માથાના ભાગે સાતથી આઠ ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ બાળકની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

મકરસંક્રાંતિનો તહેવાર સાવચેત અને સાવધાની પૂર્વક ઉજવો

ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન ઘણા નાના બાળકો પતંગ ચગાવવા માટે ધાબા, પતરા અને ઊંચી જગ્યાઓ પર ચઢી જાય છે, ઘણી વખત માતા-પિતાની જાણ વિના. આવી બેદરકારીના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે અને ક્યારેક માસૂમ બાળકોના જીવ પણ જોખમમાં મુકાય છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા માતા-પિતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકો પર ખાસ ધ્યાન રાખે, તેમને જોખમી જગ્યાઓ પર પતંગ ચગાવવાથી રોકે અને સુરક્ષાની સમજ આપે, જેથી આવી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય અને બાળકો સુરક્ષિત રહી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now