રવિવારે મોડી રાત્રે અમદાવાદના વટવા નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. આ અકસ્માત રાત્રે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ થયો હતો, જેના કારણે મુંબઈ-અમદાવાદ રેલ્વે રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અકસ્માતને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ડાયવર્ટ કરવામાં આવી છે અથવા ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી છે.
કેવી રીતે બની દુર્ઘટના
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ગેન્ટ્રી ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતથી બુલેટ ટ્રેન માટે નિર્માણાધીન વાયડક્ટને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ નજીકના રેલ્વે ટ્રેકને થોડું નુકસાન થયું હતું, જેના કારણે રેલ્વે કામગીરી પર અસર પડી હતી.
રેલ વ્યવહાર ખોરવાયો, ઘણી ટ્રેનો રદ અને ડાયવર્ટ
ગેન્ટ્રી તૂટી પડ્યા બાદ વટવા-અમદાવાદ ડાઉન-લાઇનને અસર થઈ છે, જેના કારણે કેટલીક ટ્રેનો અપ-લાઇન દ્વારા દોડાવવામાં આવી રહી છે. રેલ્વે વહીવટીતંત્રે તાત્કાલિક અકસ્માત રાહત ટ્રેન (ART) રવાના કરી અને નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.
ઘણી ટ્રેનો રદ, શોર્ટ-ટર્મિનેટ અને ડાયવર્ટ
રદ કરાયેલી ટ્રેનો (૨૪/૦૩/૨૦૨૫)
-ટ્રેન નંબર ૧૨૯૩૧ (મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ) ડબલ ડેકર એક્સપ્રેસ
-ટ્રેન નંબર ૧૯૦૩૩ (વલસાડ - અમદાવાદ) ગુજરાત ક્વીન
-ટ્રેન નંબર 22953 (મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ) ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ
-ટ્રેન નંબર 20959 (વલસાડ - વડનગર) વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ
શોર્ટ ટર્મિનેટેડ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
-ટ્રેન નંબર ૧૯૪૧૭ (મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ) ને વડોદરા જંક્શન (BRC) પર ટૂંકા ગાળા માટે રોકી દેવામાં આવી.
-ટ્રેન નં. ૧૪૭૦૨ (બાંદ્રા ટર્મિનસ - શ્રીગંગાનગર) અરવલી એક્સપ્રેસ વડોદરા જંક્શન (BRC) - રતલામ (RTM) - ચંદેરિયા (CNA) - અજમેર જંક્શન (AII) થઈને ડાયવર્ટ કરવામાં આવી છે.
મુસાફરોને મદદ કરવા માટે મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, ઉધના જંક્શન અને સુરત રેલ્વે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.
અધિકારીઓ સતર્ક, તપાસ ચાલુ
NHSRCL એ ખાતરી આપી છે કે બુલેટ ટ્રેન વાયડક્ટને કોઈ નુકસાન થયું નથી અને વહેલી તકે રેલ્વે કામગીરીને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે. NHSRCL એ જણાવ્યું હતું કે, '23/03/2025 ના રોજ રાત્રે 11 વાગ્યે, વટવા (અમદાવાદ નજીક) ખાતે વાયડક્ટ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી કોંક્રિટ ગર્ડર લગાવ્યા પછી પાછી ખેંચી રહી હતી, ત્યારે ધડાકાભેર તૂટી પડી.
આ ઘટનાથી નજીકની રેલ્વે લાઇન પ્રભાવિત થઈ છે. NHSRCLના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર નજર રાખી રહ્યા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને નિર્માણાધીન માળખાને કોઈ નુકસાન થયું નથી.
હાલમાં રેલ્વે અધિકારીઓ અને NHSRCL ટીમ અસરગ્રસ્ત વિભાગને શક્ય તેટલી વહેલી તકે સાફ કરવા અને સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને અપડેટ કરેલ સમયપત્રક તપાસવાની સલાહ આપવામાં આવે છે.
હવે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!: GSRTC એ ફરી શરૂ કરી ઓનલાઈન પાસ અને આ ખાસ સુવિધા!






