Home Gujarat Acb Arrests Watchman In Ahmedabad Fraud Case

અમદાવાદની કોલેજના પ્રિન્સીપાલ પાસે ટ્રસ્ટીએ માંગી 5 લાખની લાંચ : કોલેજનો વોચમેન લાંચની રકમના રૂપિયા 3 લાખ લેતા ACBના સકંજામાં

અમદાવાદની કોલેજના પ્રિન્સીપાલ પાસે ટ્રસ્ટીએ માંગી 5 લાખની લાંચ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 04:50 AM IST

Ahmedabad ACB Action : અમદાવાદમાં લાંચના ગંભીર કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તારીખ 7 જાન્યુઆરી 2026ના રોજ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા વેંધ એમ.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન (પંકજ વિદ્યાલય)ના પરિસરમાં ACBએ છટકું ગોઠવી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે.

5 લાખ રૂપિયાની લાંચની માંગી હતી

મળતી માહિતી મુજબ કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીને ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન, GPF અને રજા રેકડ (લીવ એન્કેશમેન્ટ) સંબંધિત ફાઇલો પર સહી કરવા બદલ કુલ 5 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી. શરૂઆતમાં 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવામાં આવી હતી અને બાકી રહેલા 3 લાખ રૂપિયાની સતત માંગ કરવામાં આવી રહી હતી. આથી કંટાળી ગયેલા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.

ચોકીદારે 3 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી!

ACB દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન તપાસમાં ખુલ્યું કે તિમિરભાઈની તરફેથી કોલેજનો ચોકીદાર મુરલીમહોર રામલાલજી ઝંડોલે 3 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી. લાંચ લેતા જ ચોકીદાર રંગે હાથે ઝડપાઈ ગયો હતો. જોકે, ટ્રેપ દરમિયાન મુખ્ય આરોપી તિમિરભાઈ અમીન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ACBએ પકડેલા ચોકીદાર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તેમજ ફરાર ટ્રસ્ટી તિમિરભાઈ અમીનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ સંસ્થાઓમાં પણ ચકચાર મચી ગઈ છે અને ACB દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now