Aatmanirbhar Gujarat Scheme: ગુજરાત હંમેશાથી ઉદ્યોગો અને સાહસિકતા માટે દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા અને મોટા પાયે રોજગારીની તકો ઉભી કરવા માટે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 'આત્મનિર્ભર ગુજરાત યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખાસ કરીને મોટા ઉદ્યોગો અને 'થ્રસ્ટ સેક્ટર' (Thrust Sector) ને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી રાજ્યના જીડીપી (GDP) અને નિકાસમાં ધરખમ વધારો થઈ શકે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે આ યોજના એક મજબૂત પાયા સમાન સાબિત થઈ રહી છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નવા રોકાણોને પ્રોત્સાહિત કરવાનો અને હયાત એકમોના વિસ્તરણમાં મદદ કરવાનો છે. 5 ઓક્ટોબર, 2022 થી શરૂ થયેલી આ યોજના 4 ઓક્ટોબર, 2027 સુધી અમલી રહેશે. આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યમાં જે પણ મોટા ઉદ્યોગો સ્થપાશે અથવા જે ઉદ્યોગો પોતાનું ડાયવર્સિફિકેશન (વૈવિધ્યકરણ) કરશે, તેમને સરકાર તરફથી આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ લોન પરના વ્યાજમાં મોટી રાહત આપીને ઉદ્યોગ સાહસિકો પરનો નાણાકીય બોજ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વ્યાજ સબસિડી: ઉદ્યોગો માટે આર્થિક બૂસ્ટર ડોઝ
આ યોજનાનો સૌથી મહત્વનો ઘટક 'વ્યાજ સબસિડીની સહાય' (Assistance of Interest Subsidy) છે. મોટા પાયે ઉદ્યોગ શરૂ કરવા માટે બેંકો પાસેથી કરોડોની ટર્મ લોન લેવી પડતી હોય છે, જેના વ્યાજ દર ઘણીવાર ઉદ્યોગ સાહસિકો માટે પડકારરૂપ બને છે. આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પાત્રતા ધરાવતા ઔદ્યોગિક એકમોને તેમની ટર્મ લોન પર ચૂકવેલા વ્યાજ સામે સરકાર વ્યાજ સબસિડીની ભરપાઈ (Reimbursement) કરશે. આનાથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને તેઓ વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકશે.
આ પણ વાંચો: ભારતની માલદીવને મોટી મદદ : ₹3000 કરોડની કરન્સી સ્વેપ સુવિધાને મંજૂરી, આર્થિક સંકટમાં ટેકો
કોણ મેળવી શકે છે આ યોજનાનો લાભ?
આ સહાય ખાસ કરીને મોટા ઔદ્યોગિક એકમો અને રાજ્ય સરકારે જાહેર કરેલા 'થ્રસ્ટ સેક્ટર્સ' માટે છે. જે ઉદ્યોગો રાજ્યમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરે છે અને જેમના દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને ગતિ મળે છે, તેમને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઉદ્યોગોના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે લેવામાં આવેલી લોન પર પણ આ સબસિડીનો લાભ મળવાપાત્ર છે.
આ પણ વાંચો:
અરજી માટે જરૂરી દસ્તાવેજોની યાદી
જો તમે આ યોજના હેઠળ વ્યાજ સબસિડી મેળવવા માંગો છો, તો તમારે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે:
બેંક સ્ટેટમેન્ટ: જે-તે ક્લેમ સમયગાળા માટે બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા પ્રમાણિત ટર્મ લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ.
વેચાણ બિલો: પ્રથમ વેચાણનું બિલ (માત્ર પ્રથમ ક્લેમ વખતે જ આપવાનું રહેશે).
યુટિલિટી બિલો: ક્લેમ સમયગાળાના છેલ્લા મહિનાનું ખરીદી બિલ, વેચાણ બિલ અને વીજળીનું બિલ.
કર્મચારીઓની વિગત: છેલ્લા મહિનાનું હાજરી પત્રક અને પગાર રજિસ્ટ્રાર.
રોજગાર નિવેદન: નિયત ફોર્મેટમાં રોજગાર અંગેનું પત્રક અને એપ્રેન્ટિસની વિગતો (જો લાગુ પડતું હોય તો).
વીમો: સ્થિર મિલકતો (Fixed Assets) માટે માન્ય વીમા પોલિસી.
બેંક ટ્રાન્સફર વિગતો: જો અન્ય બેંકે બાકીની ટર્મ-લોન ટેક-ઓવર કરી હોય, તો નવી બેંકનો મંજૂરી પત્ર અને જૂની બેંકનું 'નો ડ્યુ સર્ટિફિકેટ'.
ઓથોરિટી લેટર: બોર્ડ રિઝોલ્યુશન સાથે પ્રમાણિત સત્તાવાર પત્ર (જેમાં અધિકૃત વ્યક્તિ કંપનીના ડિરેક્ટર, પાર્ટનર અથવા કર્મચારી હોવા જોઈએ).
અન્ય દસ્તાવેજો: પાન કાર્ડ (Pan Card) અને કેન્સલ ચેક.
કેવી રીતે કરશો અરજી?
પાત્રતા ધરાવતા ઉદ્યોગ સાહસિકોએ ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનરની કચેરી અથવા નિયત ઓનલાઈન પોર્ટલ પર જઈને આ યોજના માટે નોંધણી કરાવવાની રહેશે. જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.





