Home Gujarat Aap Manoj Sorathiya On Chaitar Vasava Sentence Gujarat Politics

ચૈતર વસાવાની સજાને લઈને AAPના પ્રહાર : એક ચૈતર વસાવાને જેલમાં નાખશો તો 100 ચૈતર વસાવા ઊભા થશે: મનોજ સોરઠીયા

મનોજ સોરઠીયા અને ચૈતર વસાવાની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 24, 2026, 11:26 AM IST

ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને ફટકારાયેલી 7 વર્ષની સજા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ડેડિયાપાડામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. બંને નેતાઓએ ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને થયેલી સજાને રાજકીય પૂર્વગ્રહથી પ્રેરિત ગણાવી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનોજ સોરઠીયાએ જણાવ્યું કે ચૈતર વસાવા સહિત નવ લોકોને જે રીતે સજા કરવામાં આવી છે તે સમગ્ર પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા કરે છે. તેમણે દાવો કર્યો કે આ કેસ રાજકીય કિન્નાખોરીના કારણે ઉભો કરવામાં આવ્યો હતો અને શરૂઆતથી જ તેમાં નિષ્પક્ષતા જોવા મળી નહોતી.

કેસની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

મનોજ સોરઠીયાએ જણાવ્યું કે સામાન્ય રીતે ફોજદારી કેસોની સુનાવણી વર્ષો સુધી ચાલતી હોય છે, પરંતુ આ કેસમાં અસામાન્ય ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના મતે કેસને જે રીતે આગળ ધપાવવામાં આવ્યો તેનાથી રાજકીય દબાણની શંકા વધુ મજબૂત બને છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોર્ટમાં મહત્વપૂર્ણ સાક્ષીઓની જુબાની વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લેવામાં આવી હતી, જ્યારે સામાન્ય રીતે આવા કેસોમાં સાક્ષીઓની શારીરિક હાજરી મહત્વની માનવામાં આવે છે. સોરઠીયાના કહેવા મુજબ આરોપીઓના વિવિધ અધિકારોને મર્યાદિત કરવાનો પ્રયાસ પણ થયો હતો. તેમણે દાવો કર્યો કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન અનેક એવી બાબતો સામે આવી હતી, જેના કારણે આ કેસ અંગે સામાન્ય લોકોમાં પણ પ્રશ્નો ઉભા થયા છે.

તમામ આરોપીઓને સમાન સજા અંગે પ્રશ્ન

આપ નેતાએ સૌથી મોટો સવાલ એ ઉઠાવ્યો કે નવેય આરોપીઓને એકસરખી સજા કેમ ફટકારવામાં આવી. તેમણે જણાવ્યું કે કોઈપણ ઘટનામાં દરેક વ્યક્તિની ભૂમિકા અલગ-અલગ હોય છે અને તેની જવાબદારી પણ જુદી હોય છે.

તેમના મતે જ્યારે તમામ આરોપીઓને સમાન સજા આપવામાં આવે ત્યારે તે સમગ્ર કેસની પ્રકૃતિ અંગે ગંભીર શંકાઓ ઊભી કરે છે. સોરઠીયાએ કહ્યું કે આ જ બાબત દર્શાવે છે કે સમગ્ર કેસ રાજકીય રીતે ઘડવામાં આવ્યો હોઈ શકે છે.

આ પણ વાંચો: ફોરેસ્ટ કર્મચારી હુમલા કેસમાં AAP નેતા ચૈતર વસાવા દોષિત : સુરક્ષા વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલ ખસેડાયા

મહિલાઓને આરોપી બનાવવાના મુદ્દે પણ વાંધો

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનોજ સોરઠીયાએ મહિલાઓને આરોપી બનાવવાના મુદ્દે પણ સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે ચૈતર વસાવાની બહેન શકુંતલાબેન વસાવા, જે તાજેતરમાં જ માતા બન્યા હતા, તેમને પણ આ કેસમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સોરઠીયાના જણાવ્યા અનુસાર માત્ર પંદર દિવસના બાળકની માતાને જેલમાં જવું પડે તે માનવતાના દૃષ્ટિકોણથી ચિંતાજનક બાબત છે. તેમણે દાવો કર્યો કે એક ગર્ભવતી મહિલાને પણ આ કેસમાં સામેલ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યવાહી અંગે વધુ પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો: AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા! : ભરૂચ કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ મોકલ્યું તેડું

'ચૈતર વસાવા લડતા રહ્યા'

મનોજ સોરઠીયાએ જણાવ્યું કે ચૈતર વસાવા લાંબા સમયથી આદિવાસી સમાજના હક્કો, જમીન, જંગલ અને પાણીના પ્રશ્નો માટે સંઘર્ષ કરતા રહ્યા છે. તેમના મતે ચૈતર વસાવા ભાજપ સરકારની નીતિઓ, કુશાસન અને આદિવાસી વિરોધી માનસિકતા સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે તેમણે દાવો કર્યો કે આ કારણે જ ચૈતર વસાવાને વારંવાર કાનૂની કેસોમાં ફસાવવામાં આવે છે અને તેમને રાજકીય રીતે નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. સોરઠીયાએ કહ્યું કે આજે સમગ્ર આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે ઉભો છે અને તેમને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે.

રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે ચૈતર વસાવાના મુદ્દે હવે માત્ર નિવેદનો સુધી મર્યાદિત નહીં રહેવામાં આવે. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં પાર્ટી રાજ્યભરમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરશે અને લોકો સુધી સમગ્ર ઘટનાક્રમ પહોંચાડશે. તેમણે કહ્યું કે પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને સમર્થકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવશે. આંદોલન લોકશાહી માધ્યમોથી કરવામાં આવશે અને ચૈતર વસાવાના સમર્થનમાં જનમત ઉભું કરવામાં આવશે.

આ પણ વાંચો: ચૈતર વસાવાના સમર્થનમાં AAPનું રાજ્યવ્યાપી આંદોલન : 26 જૂનથી ત્રણ તબક્કામાં 'સપોર્ટ માર્ચ'નું એલાન

સરકાર પર દ્વિધા ધોરણોનો આરોપ

મનોજ સોરઠીયાએ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે આજે જે લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે તેમની સામે કેસો કરવામાં આવે છે, જ્યારે જે લોકો સત્તા સામે ઝૂકી જાય છે તેમના વર્ષો જૂના કેસો પાછા ખેંચી લેવામાં આવે છે. તેમણે કહ્યું કે દેશમાં અને ગુજરાતમાં લોકશાહી માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. સોરઠીયાના મતે કાયદાની અમલવારીમાં સમાનતા હોવી જોઈએ, પરંતુ હાલમાં વિરોધ પક્ષના નેતાઓને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

'100 ચૈતર વસાવા ઊભા થશે'

પ્રેસ કોન્ફરન્સના અંતે મનોજ સોરઠીયાએ ભાવનાત્મક સંદેશ આપતા જણાવ્યું કે જો કોઈને એવું લાગે છે કે ચૈતર વસાવાને જેલમાં મોકલીને તેમની લડતને સમાપ્ત કરી શકાય છે તો તે મોટી ભૂલ છે. તેમણે કહ્યું, 'એક ચૈતર વસાવાને જેલમાં નાખશો તો ગુજરાતની જનતા સો ચૈતર વસાવા ઊભા કરશે.' તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં વધુ યુવા નેતાઓ સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે સંઘર્ષ કરશે. ચૈતર વસાવાને થયેલી સજા બાદ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા વિરોધ અને નિવેદનોને કારણે આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now